Vadodara/ NH-48 પર ફોર વ્હીલરે દાદી-પૌત્રને ઉડાવ્યા, બંનેના ઘટનાસ્થળે મોત
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. હ

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. હાઈવે પર આવેલા તક્ષ ગેલેક્સી મોલ નજીક રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને બેફામ આવતી ફોર વ્હીલરે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગામડેથી પરત ફરતી વખતે જ કાળ આંબી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, હરખાબેન પ્રભાતભાઈ સોલંકી અને તેમનો પૌત્ર વનરાજ સોલંકી પોતાના વતન એટલે કે ગામડેથી પરત ફરી રહ્યા હતા. તક્ષ ગેલેક્સી મોલ પાસે જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા એક ફોર વ્હીલર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે દાદી અને પૌત્ર બંનેના સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા.
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ કપુરાઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








