સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રાજકીય ગરમાવો, કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર કાછડીયાનું રાજીનામું
સુરતમાં વરસાદી માહોલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને

સુરતમાં વરસાદી માહોલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ગુજરાતમાં પછડાટ પછી એક પછી એક નેતાઓ આપને છોડી રહ્યાં છે. ત્યારે સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડીયાએ આજે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.
તમામ પદેથી રાજીનામું
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.
કોઈ પક્ષમાં જોડાવાથી ઈન્કાર
આ રાજીનામા બાદ કાછડીયાએ કહ્યું કે, આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો વિચાર કર્યો નથી. જો કે, રાજકીય ક્ષેત્રે તેમણે સન્યાસ પણ જાહેર કર્યો નથી. જેથી આગામી સમયમાં ફરીથી કોઈ પક્ષમાં જોડાઈને ફરીથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં ફરી એકાદ પક્ષનો ખેસ પહેરશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.








