પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાના ગંભીર આરોપ
વર્ષ 2004માં ધારાસભ્ય રમણ વોરાએ પાલેજમાં સર્વે નંબર-281ની ખેતીની જમીન ભાગીદારીમાં કરી હતી તે વાત

વર્ષ 2004માં ધારાસભ્ય રમણ વોરાએ પાલેજમાં સર્વે નંબર-281ની ખેતીની જમીન ભાગીદારીમાં કરી હતી તે વાતનો ઉલ્લેખ કરતાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું કે વર્ષ 2016 સુધી આ ખેતીની જમીનમાં 7-13 અને 8-અમાં અમારા નામ સુદ્ધાં હતા. જોકે અવેજ ફારગતી લેખ કરી આ જમીનમાં માત્ર રમણ વોરાનું જ નામ રહ્યું હતું.
ખેતીની જમીન પત્નિ અને બન્ને પુત્રોના નામે કરી દીધી
જે આધારે રમણ વોરાએ પેઢીનું નામું કરાવી આ ખેતીની જમીન પત્નિ અને બન્ને પુત્રોના નામે કરી દીધી હતી. ત્યાર બાદ આ જ જમીન દિનેશભાઈ પટેલ નામના વ્યક્તિને 3.07 કરોડમાં વેચી દીધી હતી. દિનેશ પટેલે આ ખેતીની જમીનને NA કરાવીને ધારાસભ્ય વોરાના પુત્ર સુહાગ અને ભૂષણ વોરાને 13.50 કરોડમાં વેચી દીધી હતી.
ગાંધીનગર શહેરના પાલજ સ્થિત સર્વે નં. 281 જમીન કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ જિલ્લા કલેક્ટરમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પૂર્વ ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત સાબિત થયા છે, ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પાલજની જમીન કૌભાંડમાં MLA રમણલાલ વોરા પર ગંભીર આરોપ
રાજ્યના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ આ બાબતે સરકારી તંત્રને લેખિત રીતે ફરિયાદ કરી વિશેષ તપાસ અને કડક પગલાં લેવા માંગણી કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2004માં આ જમીન ચાર મોટા ભાગીદારોના સાથે ભાગીદારીમાં ખરીદવામાં આવી હતી. 2016 સુધી જમીનનો કાગળ ભાગીદારોના નામે રહ્યો અને ત્યારબાદ રમણલાલ વોરાએ પોતાને ખોટા ખેડૂત સાબિત કરી પેઢીનામાના આધાર પર પોતાની પત્ની અને બે દીકરાઓના નામે જમીનની નોંધણી કરાવી હતી.
બોગસ ખેડૂત હોવાની ફરિયાદ
આ જમીનની ખરીદી-વેચાણમાં જણાવેલી કિંમતો અને નાણા વ્યવહાર અંગે કરદાતાની IT રીટર્નમાં યોગ્ય રીતે નોંધણી કરવામાં આવી છે કે નહી તે અંગે ફરિયાદકર્તાએ તપાસ કરવાની તેમજ ટેક્ષ ચોરીના ગુનાની કાર્યવાહી કરવાની તાત્કાલિક માગ કરી છે. બોગસ ખેડૂત હોવાની રમણલાલ વોરા ઉપર લાગતી ફરિયાદ અને મામલતદારના લેખિત નિવેદનથી આ મામલો વધુ ગંભીર બનેલો જોવા મળે છે.
પૂનમ મકવાણાએ કલમ 63 અને 84-સી હેઠળ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ બાકીના સાચા ખેડૂત ભાગીદારોના નામે જમીન નોંધણી કરવાની પણ માગ કરી છે. આ ઉપરાંત બેંક અને ચેક સાથે સંબંધિત નાણા વ્યવહારો હજુ સુધી પૂર્ણ ન થયા હોવાના પણ આધારભૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.








