તક્ષશિલા અગ્નિકાંડની પાંચમી વરસીના બીજા દિવસે જ રાજકોટમાં મોટો અગ્નિકાંડ, તપાસ માટે SITની રચના કરાઈ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકો

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. વેકેશનમાં ગેમની મજા માણવા આવેલા બાળકોને મોત મળ્યું છે. સમગ્ર મોલ રાખમાં ફેરવાઈ ગયો તેવા દૃશ્યો સામે આવ્યાં છે. એટલે એ કલ્પના પણ ન કરી શકાય કે અંદર હાજર રહેલા લોકોની શું હાલત થઈ હશે. બીજી તરફ ગઈકાલે જ એટલે કે શુક્રવારે તક્ષશિલા અગ્નિકાંડની 5મી વરસી હતી. ત્યારે વરસીના બીજા દિવસે જ રાજકોટમાં તક્ષશિલા જેવો અગ્નિકાંડ સર્જાયો છે.
24 મે, 2019ના રોજ સુરતમાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કેસના મોટાભાગના આરોપી જામીન પર જેલમુક્ત થઈ ગયા છે.
તપાસ માટે SITની રચના કરાઈ
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. દુર્ઘટના બાદ ઉંઘમાંથી જાગેલા તંત્રએ ગુજરાતના તમામ ગેમઝોન બંધ કરવાના આદેશ આપ્યા. તપાસ માટે SITની રચના થઈ.
મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરાશે
આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.
રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ ?
શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ?, ફાયર સેફ્ટિના સાધનો હતા તો આગમાં આટલી મોટી જાનહાની કેવી રીતે થઈ ગઈ ?, ફાયર NOC લેવાઈ હતી કે કેમ?, ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે ?, શું માત્ર ગેમઝોનના ઓડિટ કરવાથી કામ ચાલી જશે?, આડેધડ ગેમઝોનને મંજૂરી આપવા પાછળ કોણ જવાબદાર?, ક્યાં સુધી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે?, ગેમ ઝોનના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલા લેવાશે?, આવી ઘટના નહીં બને તેની ગેરંટી કોણ લેશે?આવા તો અનેક સવાલો આ ઘટનાથી ઉભા થઈ રહ્યા છે.








