સુરતમાં સ્ત્રી રોગ નિષ્ણાંતોની પ્રથમ વખત ત્રિ-દિવસીય કોન્ફરન્સ, 500થી વધુ તબીબોએ વર્કશોપમાં લીધો ભાગ
સુરતમાં રાષ્ટ્રીય કક્ષાના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ છે. સ્ત્રી રોગ નિષ્ણાંતોની સંસ્થા સુરત ઓબ્સ

સુરતમાં રાષ્ટ્રીય કક્ષાના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ છે. સ્ત્રી રોગ નિષ્ણાંતોની સંસ્થા સુરત ઓબ્સ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા આ સેમિનારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ગુજરાત સહિત દેશભરના 500થી વધુ તબીબો ભાગ લઈ રહ્યાં છે. આ કોન્ફરન્સમાં લાઈવ ઓપરેશન પણ દર્શાવવામાં આવી રહ્યાં છે.
વર્કશોપમાં તબીબોના પ્રશ્નોનું સમાધાન
આજથી શરૂ થયેલા કાર્યક્રમમાં 3 દિવસ સુધી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ અલગ અલગ વિષયોને લઈને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રસુતિ બાદ થતા આકસ્મિક રક્ત પ્રવાહ (PPH)ને કાબુ કરવા માટેની પધ્ધતિઓ, આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઈમેજિંગ ટેક્નોલોજી વિશેની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ઘર આંગણે માર્ગદર્શન
યુનિવર્સલ હોસ્પિટલમાં થતાં ઓપરેશનને લાઈવ હોટલ લી મેરિડિયન ખાતે તબીબોને દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે જ આવતાં પ્રશ્નો અને તેના નિવારણ અંગે પણ તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસીય સંમેલનમાં તબીબોએ કહ્યું કે, આ પ્રકારના વર્કશોપ અગાઉ વિદેશમાં યોજાતા હતાં. જ્યારે હવે ઘર આંગણે જ તજજ્ઞ તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ થઈ રહ્યું છે.








