મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ફાયર વિભાગની મેગા ડ્રાઇવ: ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર 13 હોટલ અને 1 શૈક્ષણિક સંસ્થા સીલ

અમદાવાદ શહેરના લોકો અને વિદ્યાર્થી

અમદાવાદમાં ફાયર વિભાગની મેગા ડ્રાઇવ: ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર 13 હોટલ અને 1 શૈક્ષણિક સંસ્થા સીલ
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરના લોકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરની હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં એક વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા એકમો સામે નોટિસોનો સપાટો બોલાવવામાં આવ્યો છે, જ્યારે ભારે બેદરકારી દાખવનાર 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને સીલ કરાઈ છે.

200થી વધુ એકમોને નોટિસ

અમદાવાદમાં હાથ ધરાયેલી આ ઝુંબેશમાં કુલ 154 હોટલોને અને 62 શૈક્ષણિક તથા કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે નિયમોના ગંભીર ભંગ બદલ 13 હોટલો તેમજ એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી છે. ઝોનવાર કાર્યવાહી પર નજર કરીએ તો સાઉથ વેસ્ટ ઝોનમાં 20 હોટલોને નોટિસ આપવામાં આવી છે. સાઉથ ઝોનમાં 13 હોટલો અને 3 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે.

•  સેન્ટ્રલ ઝોનમાં 27 હોટલો તેમજ 8 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓ સામે નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.
•  નોર્થ વેસ્ટ ઝોનમાં 24 હોટલો અને 5 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે નિયમોના ગંભીર ભંગ બદલ 6 હોટલોને સીલ કરવામાં આવી છે. ઈસ્ટ ઝોનમાં 16 હોટલો અને 24 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે.
•  વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં 47 હોટલો અને 12 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી તેમજ 7 હોટલો અને એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી હતી. નોર્થ ઝોનમાં 7 હોટલો અને 10 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે આવી ચકાસણી અને અમલીકરણની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ અને એકમો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો