મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સાયલા ક્વોરી ઉદ્યોગની હડતાળનો પાંચમો દિવસ: સરકારની ઉદાસીનતા સામે રોષ, વિકાસના કામો પર બ્રેક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ક્વોરી ઉદ્યોગકારોની અચોક્કસ મુદતની હડતાળ આ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ક્વોરી ઉદ્યોગકારોની અચોક્કસ મુદતની હડતાળ આજે પાંચમા દિવસે પણ યથાવત રહી છે. સરકાર દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હડતાળને કારણે ગુજરાતના મેગા પ્રોજેક્ટ્સ સહિતના વિકાસકાર્યો પર જોખમ ઊભું થયું છે.

વિકાસના કામો પર માઠી અસર

સાયલા પંથકમાંથી બ્લેક ટ્રેપ અને પથ્થરનું મટીરીયલ રાજ્યના મુખ્ય શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે. પાંચ દિવસથી ક્વોરીઓ અને 2500 થી વધુ ડમ્પરોના પૈડા થંભી જતા અનેક વિકાસના કામોને સીધી અસર થઈ છે. જેમાં ધોલેરા સર (SIR): સ્માર્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, અમદાવાદ અને સાણંદ: હાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન, બહુચરાજી અને વિરમગામ- માર્ગ નિર્માણ અને નવી ફેક્ટરીઓના બાંધકામ. આ સિવાય  આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો અને ડ્રાઈવરોની રોજગારી પર સંકટ આવ્યું છે.

શું છે ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓ?

ક્વોરી માલિકોનો આક્ષેપ છે કે વર્ષ 2022 અને 2024 માં પણ લાંબી હડતાળ બાદ સરકારે બાહેધરી આપી હતી, પરંતુ તેનો અમલ થયો નથી. તેમની મુખ્ય રજૂઆતો આ મુજબ છે:

સેટેલાઇટ માપણીનો વિવાદ: જૂની લીઝો જૂના માપ પ્રમાણે મંજૂર થઈ છે, પરંતુ હવે સેટેલાઇટથી તપાસ કરીને માપણીમાં તફાવત બતાવી મસમોટો દંડ વસૂલવામાં આવે છે.

ક્વોરી ઝોન: સમગ્ર ઉદ્યોગને ક્વોરી ઝોન જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે.

EC અને માઈનિંગ પ્લાન: 5 હેક્ટરથી ઓછી લીઝોમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ (EC) માંથી મુક્તિ અથવા ઝડપી નિકાલ માટે અલગ સેલની રચના કરવી.

બાહેધરીનો અમલ: 2022 માં સરકારે લેખિતમાં આપેલા વચનો પાળવામાં આવે.

મુખ્યમંત્રીના પ્રવાસ છતાં ઉકેલ નહીં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે હતા. ખનીજ વિભાગ ખુદ મુખ્યમંત્રી પાસે હોવા છતાં, હડતાળ પર ઉતરેલા ઉદ્યોગકારોના કોઈ પ્રતિનિધિને મળવા માટે બોલાવવામાં આવ્યા ન હતા, જેનાથી સ્થાનિક એસોસિએશનમાં નારાજગી વધી છે.

આ સમાચાર શેર કરો