સુરતમાં 500 રૂપિયાના લેણામાં કારખાનું બદલતા સાથી કામદારોએ કરી હત્યા
સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. આ કામદારો વચ્ચે રૂપિયાની લેતી

સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. આ કામદારો વચ્ચે રૂપિયાની લેતી દેતી પણ થતી હોય છે. ત્યારે એક જ કારખાનામાં કામ કરતાં શ્રમિકો વચ્ચે 500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પાંડેસરાની ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં 500 રૂપિયા લેણા નીકળતાં સાથી કામદારોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન સાગર સવાઈ નામના યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
તિક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા
મૃતકના ભાઈ મિથુન સવાઈએ કહ્યું કે, સાગર મશીન ચલાવવાનું કામ કરતો હતો. તે કંપની છોડીને બીજી કંપનીમાં ગયો હતો. આ દરમિયાન તેના મિત્રોએ ત્યાં જઈને વાત કરવા તેને કંપનીમાંથી બહાર બોલાવ્યો હતો. બમરોલી રોડ પર લાલા ભાઈના ખાતામાંથી બહાર બોલાવ્યો હતો. બે આવ્યા હતાં. એકે બહાર બોલાવ્યો હતો. જ્યારે બીજાએ ચપ્પુ મારી દીધું હતું. જેથી ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આકરી સજાની માગ
ઈજાગ્રસ્તને અમે વતન લઈ જવા ઈચ્છતા હતાં. પરંતુ ટીકિટ ન મળી બાદમાં એમ્બ્યુલન્સનો ખર્ચ વધારે હતો. બાદમાં ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતાં. અહિં તે સારવાર દરમિયાન ભાનમાં પણ આવ્યો હતો. 10થી 12 જેટલા રિપોર્ટ પણ કરવામાં આવ્યાં હતાં. બીજા દવાખાનેથી સામાન પણ લઈ આવ્યાં હતાં. આજે સવારે સાડા ચાર વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોપીઓને આકરામાં આકરી સજા થાય તેવી વધુમાં મૃતકના ભાઈએ માગ કરી છે.








