ખેડૂતો આનંદો/ શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા, જાણો શું છે સરકારની યોજના
દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિને અપનાવવા આ

દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહ્વાન કર્યું છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓ હાથ ધરાઈ છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ વિનાના ઉત્પાદિત શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે.
આ યોજનાના અમલીકરણથી આગામી ૫ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે ૫૦૦૦ હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.








