ભાડભૂતમાં સંરક્ષણ પાળાની કામગીરી માટે સંપાદિત થયેલી જમીનના વળતર અંગે ખેડૂતોમાં આક્રોશ
ભાડભૂત બેરેજના ડાબા કાંઠે સંરક્ષણ પાળાની કામગીરી માટે સંપાદિત થયેલી જમીનના

ભાડભૂત બેરેજના ડાબા કાંઠે સંરક્ષણ પાળાની કામગીરી માટે સંપાદિત થયેલી જમીનના વળતર અંગે ખેડૂતોમાં આક્રોસ જોવા મળ્યો છે. ખેડૂતોએ વળતર એવોર્ડની નકલ સાથે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જ હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ કરી નવી જંત્રી મુજબ વળતરની માંગ કરી હતી.
જમીનના વળતરને લઈ ખેડૂતોમાં આક્રોશ
ભરુચ જિલ્લાની બહુઆયામી ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠે સંરક્ષણ પાળાની કામગીરી માટે જમીન સંપાદિત થઈ હતી. જે જમીનના વળતર અંગે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી એવોર્ડ નકલની હોળી કરી નવી જંત્રી મુજબ વળતર ની માંગ કરી હતી. ખેડૂતોએ કલેકટર કચેરીમાં એકત્રિત થઈ 2010-11 અને 2020-21 મુજબની જંત્રીનો આક્ષેપ કરી નવી જંત્રી પ્રમાણે વળતર કરવાની માંગ કરવામાં આવી હતી.
કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર
ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર સાથે એવોર્ડ નકલની હોળી કરવામાં આવી હતી. જે બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિનસુધી જવાબ આપેલ નથી. કબ્જા ફેર, ક્ષેત્રફળની ત્રુટીઓ આજદિન સુધી જમીન દફતરના રેકર્ડ પર સુધારેલ નથી. 19(1)નું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ્દ કરવું, જાહેરનામું રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરેલ છે.
વહીવટી તંત્ર અને સરકાર સામે ખેડૂતોના આક્ષેપ
જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે. તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ 2010-11ની જંત્રી પ્રમાણે અને નકશા 2020- 21 પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય થયો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે ખેડુતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનો સરેઆમ ઉલ્લંઘન કરાયો છે. ખેડૂતોનું એક માત્ર આજીવિકાનું સાધન ઝુંટવી લેવાનો બદ ઈરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કરી નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.








