ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ દ્વારકામાં 'ખેડૂત સત્યાગ્રહ' સંમેલનનું આયોજન, આ ટોચના નેતાઓ રહેશે ઉપસ્થિત
30 જાન્યુઆરીએ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાવા જ

30 જાન્યુઆરીએ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ખેડૂત અને ખેતીને લગતા અનેક મુદ્દાઓ વિશે સરકાર સમક્ષ માંગ કરવા માટે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેને લઈને ખંભાળિયા ખાતે ખેડૂતોને ઉમટી પડવા આપના નેતા ઈશુદાન ગઢવી તેમજ કોંગ્રેસ ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ હાકલ કરી છે.
જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવા, વર્ષ 2016-17ના પાક વિમા બાબત તેમજ ચાલુ વર્ષના પાક ધિરાણ જેવા અનેક ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની માંગ માટે આ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો 70 થી 80% મળવાપાત્ર હતો તે હજુ સુધી સરકારે આપ્યો નથી. તેમજ દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા અંગે માંગ કરવામાં આવશે.
આ પણ વાંચો : અમરેલી લેટર કાંડ મામલે મનીષ વઘાસીયાએ જેલની બહાર નીકળતા જ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન
11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે પણ પરિણામ શૂન્ય છે. 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી. 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી. છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદઘાટન થાય છે. ઉદઘાટન પછી સરકાર ભૂલી જાય છે ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી. ઉદઘાટનની લોલીપોપથી ખેડૂતો હવે થાકી ગયા છે.
આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકિય આગેવાનો પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેશે. અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. વાછરાવાવ દલવાડી હોટેલ પાસે ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. જેમાં ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.






