મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ખેડૂત આક્રોશ યાત્રા': કોંગ્રેસનું અલ્ટીમેટમ, માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિધાનસભાને ઘેરશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી દ્વા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી દ્વારકાના રૂટ પર આગળ વધીને બોટાદ જિલ્લામાં આવી પહોંચી હતી. ઢસા ખાતેથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો જોડાયા હતા અને ડી.જે.ના તાલે તથા દેશભક્તિના ગીતો સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

ભરતસિંહ સોલંકીએ જાતે ટ્રેક્ટર ચલાવી નેતૃત્વ કર્યું

બોટાદમાં આ યાત્રાનું જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જાતે ટ્રેક્ટર ચલાવીને ખેડૂતો સાથે જોડાયા હતા. તેમની સાથે રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, રાજેશ ગોહિલ, પ્રવીણ રાઠોડ તેમજ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા સહિતના પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનો જોડાયા હતા.

રાહત પેકેજ પર આકરા પ્રહારો

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નેતાઓએ ખેડૂતો અને લોકોને સંબોધીને યાત્રાનો મુખ્ય હેતુ સમજાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹10,000 કરોડના રાહત પેકેજને સંપૂર્ણપણે અયોગ્ય અને સામાન્ય ગણાવ્યું હતું. ભરતસિંહ સોલંકી અને લલિત વસોયાએ જણાવ્યું હતું કે ખેડૂતો હાલમાં સંપૂર્ણપણે પાયમાલ થયા છે અને તેમના માથે કુલ ₹1,40,000 કરોડનું દેવું છે. તેની સામે ₹10,000 કરોડની સહાય માત્ર 'સામાન્ય રકમ' છે.

નેતાઓએ આક્ષેપ કર્યો કે જાહેર કરાયેલી સહાયમાં ખેડૂતોને વાવણી અને બિયારણનો ખર્ચ પણ મળવાપાત્ર નથી, અને વધુમાં વધુ ₹44,000 જેવી રકમ જ મળવાપાત્ર છે, જે તદ્દન અપૂરતી છે.

વિધાનસભા ઘેરાવની ચીમકી

કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગની સાથે સાથે ટેકાના ભાવે ખરીદીની નીતિમાં પણ ફેરફાર કરવાની માંગ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે સરકારને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે, "જો આગામી બે મહિનામાં ખેડૂતોના દેવા માફ નહીં કરાય અને યોગ્ય સહાય નહીં ચૂકવાય, તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે." બોટાદથી આ યાત્રા જિલ્લાના પાળીયાદ ખાતે રવાના થઈ હતી અને ત્યાંથી તે સુરેન્દ્રનગર જિલ્લા તરફ આગળ વધશે

આ સમાચાર શેર કરો