મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘શાકાહારી ગુજરાત’ની હકીકત: ‘હિન્દુત્વની સરકાર’માં 10,735 કતલખાનાને મંજૂરી

Gujarat slaughterhouse news: દેશભરમાં અહિંસા અને શાકાહારી રાજ્ય તર

‘શાકાહારી ગુજરાત’ની હકીકત: ‘હિન્દુત્વની સરકાર’માં  10,735 કતલખાનાને મંજૂરી
આ સમાચાર સાંભળો

Gujarat slaughterhouse news: દેશભરમાં અહિંસા અને શાકાહારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાનાને સરકારે સત્તાવાર મંજૂરી આપેલી છે, જ્યારે 2,176 ગેરકાયદેસર કતલખાના કોઈપણ ડર વગર ધમધમી રહ્યા છે. ચૂંટણી સમયે હિન્દુત્વ, ગૌરક્ષા અને અહિંસાના નામે મતો મેળવીને સત્તામાં આવેલી સરકારના શાસનમાં જ કસાઈઓને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાં 34,045 ટન માંસનું ઉત્પાદન થયું છે. દરરોજ હજારો ઘેટાં-બકરાં અને ભેંસોને કતલખાને ધકેલાય છે, જ્યારે પોલ્ટ્રી ફાર્મને પ્રોત્સાહન અપાતાં વર્ષે ત્રણેક કરોડથી વધુ મરઘાંની કતલ કરવામાં આવે છે.

ભાજપના નેતાઓ પર આક્ષેપ અને ગૃહમંત્રીની ભૂમિકા સામે સવાલો

અમદાવાદમાં હિન્દુત્વની વાતો વચ્ચે શાસક પક્ષના નેતાઓ જ માંસાહારને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજ્યમાં હજારો કતલખાના ચાલવા છતાં કસાઈઓને ઊંની આંચ આવતી નથી, જેની પાછળ રાજકીય આશીર્વાદ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની રહેમનજર હેઠળ જ મૂંગા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાના આરોપો મુકાયા છે. કસાઈઓ મસમોટા હપ્તા આપીને પોતાના વાહનો પર કમળનું સ્ટીકર લગાવી ખુલ્લેઆમ પશુઓને કતલખાને લઈ જાય છે, અને ગાંધીનગરથી મળેલી સૂચનાઓને કારણે સ્થાનિક પોલીસ પણ મૌન સાધી બેઠી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓથી ગુજરાતની નીતિઓ પર સવાલ

લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. પાછલાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં ભેંસના માંસનું ઉત્પાદન 34.55 મેટ્રિક ટન અને ઘેટાંના માંસનું ઉત્પાદન 88.52 મેટ્રિક ટન નોંધાયું છે. આ જ સમયગાળા દરમિયાન 9.85 કરોડ મરઘાંની કતલ સાથે કુલ માંસનું ઉત્પાદન 98,895 મેટ્રિક ટન પર પહોંચ્યું હતું. પંજાબ, દિલ્હી, ઝારખંડ, હરિયાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા મોટા પ્રમાણમાં માંસાહાર કરતા રાજ્યો કરતાં પણ પવિત્ર યાત્રાધામો અને સંતોની ભૂમિ ગણાતા ગુજરાતમાં કતલખાનાની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માંસનું ઉત્પાદન

(કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ)

વર્ષ માંસનું ઉત્પાદન (મેટ્રિક ટનમાં)
2022-23 31,629 મે.ટન
2023-24 33,161 મે.ટન
2024-25 34,045 મે.ટન


ખાનપુર ભાજપ કાર્યાલય સામે જ નોનવેજ દુકાનો અને રેસ્ટોરન્ટ્

અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયની બિલકુલ સામે જ બિન્દાસપણે માંસનું વેચાણ થઈ રહ્યું છે અને ગેરકાયદેસર નોનવેજ રેસ્ટોરન્ટ્સ ધમધમી રહી છે. આ રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં ભાજપના નેતાઓ જ તેને રાજકીય રક્ષણ પૂરું પાડી રહ્યા હોવાનો આક્ષેપ છે. સ્થાનિક કોર્પોરેશન સત્તાધીશો જ્યારે પણ આ દુકાનો કે રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગાંધીનગરથી સૂચનાઓ આવતા જ બધું ફરી શરૂ થઈ જાય છે.

યુવા પેઢી અને સંસ્કૃતિ પર વધતી અસર

રાજ્યમાં હવે શાકાહારી ઓળખ સામે મોટો પડકાર ઊભો થયો છે. માંસાહારી લારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવી યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ખાણીપીણીની બદલાતી આદતો તરફ વળી રહી છે, જેના કારણે નોનવેજ ખાવામાં હવે કોઈ સંકોચ રહ્યો નથી. પરિણામે, ગુજરાત પોતાની મૂળભૂત અને ઐતિહાસિક શાકાહારી રાજ્ય તરીકેની ઓળખ ધીમે ધીમે ગુમાવી રહ્યું છે.

દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા અને ગેરકાયદેસર કતલખાનાની સ્થિતિ

રાજ્ય રજિસ્ટર્ડ કતલખાના ગેરકાયદેસર કતલખાના
મહારાષ્ટ્ર 63,587 9,942
તામિલનાડુ 41,351 8,010
ઉત્તર પ્રદેશ 31,349 7,518
આંધ્ર પ્રદેશ 16,082 5,571
મધ્ય પ્રદેશ 11,260 1,266
ગુજરાત 10,735 2,176
આસામ 6,730 2,510
ઓડિશા 3,805 2,569
રાજસ્થાન 3,585 2,569
કર્ણાટક 1,885 6,214
ઝારખંડ 1,471 879
પંજાબ 916 111
ત્રિપુરા 235 805

આ સમાચાર શેર કરો