જીવન અમૂલ્ય: ગુજરાતમાં દરરોજ 25 વ્યક્તિઓ આત્મહત્યા કરી ટૂંકાવે છે જીવન, ત્રણ વર્ષમાં 10 ટકાનો વધારો
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ આત્મહત્યા કરનારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. 2020 કરતાં 2022માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ 10 ટકાથી વધારે હતું. વર્ષ 2022માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ 2285, બીમારીને કારણે 1747, લગ્નને કારણે 367 વ્યક્તિએ આત્મહત્યા કરી છે.
આત્મહત્યા કરવામાં હાઉસવાઈફનું પ્રમાણ સૌથી વધુ
આત્મહત્યા કરવામાં હાઉસવાઈફનું પ્રમાણ સૌથી વધુ 1761 છે. તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્દઅંશે જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડ઼િયામાં અનેક લોકોના હજારો ફ્રેન્ડ્સ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી.
વર્ષ 2022માં કોના દ્વારા વધુ આત્મહત્યા
1761- હાઉસવાઈફ
57 સરકારી કર્મી
818- ખાનગી કર્મી
711- વિદ્યાર્થી
629- બિઝનેસ પર્સન
હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં થાય છે ગરકાવ
જેના કારણે હતાશામાં આવીને આત્મહત્યાનું પગલું ભરે છે. સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે મિત્ર પાસે નવી કાર, વિશાળ ઘર, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતાં અનેક લોકો હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઈ જાય છે.
જીવન અમૂલ્ય છે
આત્મહત્યા કરવાનો વિચાર આવે તો પ્રત્યેક વ્યક્તિએ પોતાની પાસે શું સારું છે, પોતાને જે સૌથી વધુ પ્રેમ કરતું હોય તેનો એક વિચાર કરી લેવો જઈએ. આત્મહત્યા નિવારણ માટે કાર્યરત એક સંસ્થાની હેલ્પલાઈનમાં 2019માં 18488, 2020માં 21430, 2021માં 21855, 2022માં 19788 અને 2023માં 14 હજારથી વધુ કોલ્સ આવ્યા હતા.
નજીવી બાબતે લોકો કરે છે આત્મહત્યા
પરીક્ષામાં ધાર્યું પરિણામ નહીં આવવું, કારકિર્દી-પારિવારિક જીવનમાં નિષ્ફળતા નોકરી નહીં મળવી, નજીવી બાબતે સ્વજન સાથેસ મન:દુખ જેવા કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરે છે. તજજ્ઞોના મતે નિષ્ફળતા એ જીવનનો અંત નથી.








