આઝાદીના આટલા વર્ષ પણ ગુજરાતનો આ વિસ્તાર અંધકાર યુગમા, 3 વર્ષથી લાઈનો ખેંચાઈ પણ વિસરાયુ કનેક્શન આપવાનું
ગુજરાતના વિકાસની ચોમેર ચર્ચા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. નસવાડી

ગુજરાતના વિકાસની ચોમેર ચર્ચા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. નસવાડી તાલુકાના નખલપુરા ગામે રામદેવ ફળિયું આવેલું છે. ગરીબ શ્રમજીવી પરિવારની વસ્તી છે. જયારે સરકારની વિવિધ યોજનાઓમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે સરકારે કરોડો રૂપિયા ગ્રાન્ટ ગુજરાત પેર્ટન યોજનામાં ફાળવે છે. પરંતુ આ ફળિયાની વરવી વાસ્તવિકતા છે કે, મધ્ય ગુજરાત વીજ કંપનીના વાંકે આ ફળિયું આઝાદીના આટલા વર્ષો પછી પણ અંધકાર યુગમાં જીવી રહ્યું છે.
ઈલેક્ટ્રિક સુવિધા વગરનું જીવન
સરકારે કુટીર યોજનામાં મફત વીજ કનેક્શન મળે તે માટે આ ફળિયાના લોકોના ફોર્મ મંજૂર કર્યા હતા. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ ગરીબ આદિવાસી લોકોને આજ દિન સુધી વીજ કનેક્શન ન આપ્યા. લોકો મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીના ધક્કા ખાઈ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરીને થાકી ગયા છે. ફળિયામાં વીજ પોલ નાખવામાં આવ્યા છે. વીજ લાઈનો ખેંચવામાં આવી છે. પરંતુ ઘરોમાં કનેક્શન આપવાનું અધિકારી ભૂલી ગયા છે. જેને લઇ આધુનિક યુગમાં આ ફળિયાના લોકો આજે પણ લાઈટ-પંખા સહિત સુવિધા વિના જીવી રહ્યા છે.
ઈલેક્ટ્રિસિટી વગર પારાવાર મુશ્કેલી
લોકો પોતાના ઘરમાં નાના બાળકોને ગરમીમાં શેકાવાથી રડે ત્યારે ઝાડ ઉપર કપડું બાંધી બાળકને ઝુલાવે છે. જયારે ફળિયામાં રાત્રિ ટાણે અંધારું હોવાથી જંગલી જાનવરો અને ઝેરી સાપોથી લોકોને જીવનું જોખમ છે. અગાઉ એક મહિલાને સાપ કરડતા મહિલાનું મોત થયું હતું. જયારે આ ફળિયામાં જવાનો પાકો રસ્તો પણ નથી. કાચો રસ્તો હોવાથી લોકો વર્ષોથી દુઃખ ભોગવી રહ્યા છે. ચોમાસામાં ભારે મુશ્કેલી પડે છે.
ગ્રામજનોએ જોયો નથી વિકાસ
અનેક પ્રાથમિક સુવિધાથી ફળીયાના લોકો વંચિત છે. જેને લઇ સરકારના અધિકારીઓ અને નેતાઓ સુધી અવાજ પહોંચાડવા લોકોએ ભારે સુત્રચારો કર્યા હતા. સરકાર ગ્રામ પંચાયતને 15માં નાણાંપંચમાં લાખો રૂપિયા ગ્રાન્ટ આપે છે. વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ આ ફળિયાના લોકો હજુ સુધી વિકાસ જ દેખ્યો નથી. જેને લઈ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય, સાંસદ સહીત નેતાઓ આ ફળિયાની મુલાકાત લઇ ગામમાં પ્રાથમિક સુવિધા પુરી પાડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.








