મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હરિયાળુ મતદાન: અમદાવાદ જિલ્લામાં 21 'ઇકો ફ્રેન્ડલી' મતદાન મથકો ઉભા કરાશે

દેશના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે બે ફેઝમાં 191 બેઠકો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. આગામી 7મે

હરિયાળુ મતદાન: અમદાવાદ જિલ્લામાં 21 'ઇકો ફ્રેન્ડલી' મતદાન મથકો ઉભા કરાશે

દેશના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે બે ફેઝમાં 191 બેઠકો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. આગામી 7મેએ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થવા જઇ રહ્યું છે. મત આપવાની સાથે જ લોકો પર્યાવરણ જતન અંગે પણ જાગૃત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક દીઠ એક એટલે કે કૂલ 21 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવશે.

લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ચૂંટણી પંચ દરેક ચૂંટણી વખતે નવી નવી તરકીબોથી જાગૃતિના પ્રયાસ કરે છે. વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ તથા ભૂગર્ભ જળનું ઘટતું પ્રમાણ સહિતના કેટલાય એવા ગંભીર પ્રશ્નો છે જેના અંગે પણ લોકોને માહિતગાર કરવા જરૂરી છે. લોકો વધુને વધુ પર્યાવરણને ઉપયોગી વર્તન કરે તેમજ તેને હાની ન પહોંચે તેવા કાર્યો કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા છેલ્લી કેટલીક ચૂંટણીથી ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવે છે. તે મથક પર પર્યાવરણને નુકસાન થાય તેવા કોઇ પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સામાન્ય રીતે પાણી માટે હાલના સમયમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઇકો ફ્રેન્ડલી મથક પર પાણની માટે દેશી ફ્રિજ ગણાતા માટલાની વ્યવસ્થા કરાશે. મથકની આસપાસ ફૂલ-છોડ, વૃક્ષો વાવી તેમજ વૃક્ષના પાનનો ઉપયોગ કરી બૂથની સજાવટ કરવામાં આવે છે. દરેક બૂથને વૃક્ષો બચાવવા, પાણીનો યોગ્ય ઉપયોગ અને તેની સાચવણી, સ્વચ્છતા, વીજળીનો મહત્તમ ઉપયોગ સહિતના અનેક વિષયો આધારે વિશિષ્ટ રીતે સજાવવામાં આવશે.સાથે જ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને વેગ મળે તે હેતુથી ગ્રામીણ અને આદીવાસી વિસ્તારોના પોલિંગ બૂથને સ્થાનિકો દ્વારા તેઓના પ્રદેશમાં મળી રહેતી વસ્તુઓ દ્વારા શણગારવામાં આવે છે.

અમદાવાદમાં 21 એવા બૂથ ઉભા કરવામાં આવશે જ્યાં દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરથી લઇને દરેક સુવિધા પુરી પાડવામાં આવશે. તે દરેક મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન પણ દિવ્યાંગ કર્મીઓ દ્વારા જ કરવામાં આવશે. એટલે કે અમદાવાદમાં 105 જેટલા દિવ્યાંગ કર્મીઓ અન્ય કર્મનીઓ સાથે ખભે ખભા મિલાવી ફરજ બજાવશે.

આ સમાચાર શેર કરો