Dwarka: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત, દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે આજે ભ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે આજે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. દ્વારકા હેલિપેડ ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ અને વહીવટી અધિકારીઓએ રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આગમન થતાં જ હેલિપેડ ખાતે ગરમાવો જોવા મળ્યો હતો. અહીં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા. આ ઉપરાંત, સ્વાગત કરનારા મહાનુભાવોમાં કોસ્ટ ગાર્ડના ડી.આઈ.જી. મનજીત સિંઘ ગિલ, આઈ.એન.એસ.ના કેપ્ટન શશાંક શર્મા, કલેક્ટર રાજેશ તન્ના, અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને ત્યારબાદ તેમના પ્રવાસના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે આજે દ્વારકા ખાતે પધારીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂએ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી પાદુકાપૂજન કર્યું હતું. આ પાવન અવસરે તેમણે સમગ્ર ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિની સાથે તેમના દીકરી ઇતિશ્રી મુર્મૂ પણ જોડાયાં હતાં.
મહાનુભાવો દ્વારા સ્વાગત અને સન્માન
મહાનુભાવોએ રાષ્ટ્રપતિને સ્મૃતિભેટ સ્વરૂપે ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ અને પ્રસાદ આપીને તેમનું સ્વાગત કર્યું હતું








