ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ત્રણ રોડ બંધ, વાહન વ્યવહાર ઠપ થતાં વાહનચાલકોને મુશ્કેલી
દક્ષિણ ગુજરાતમા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ અંબિકા અને ખાપરી નદીના કેચ

દક્ષિણ ગુજરાતમા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ અંબિકા અને ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા કેટલાક કોઝવે ધસમસતા પ્રવાહમાં ગરક થતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થવા સાથે જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થયા હતા. ડાંગ જિલ્લામાં વરસાદના લાંબા વિરામ બાદ સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી.
કામગીરી કરાઈ
ભારે વરસાદથી ચેકડેમોમાં ધોવાણ થતા નદીને અડી આવેલા ખેતરોમાં પાણી ઘુસી જતા ખેતીપાક સહિત ખેતરનું ધોવાણ થતા આદિવાસી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ હોવાની શક્યતા ઉભી થઇ રહી છે. પવન અને વરસાદને પગલે વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કર્મીઓએ તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરી સાંજે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને કારણે સાપુતારા, ડોન હિલ સ્ટેશન સહિતના પ્રવાસન સ્થળોએ આહલાદક વાતાવરણ સર્જાયું છે.
વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન
ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે. જયારે 3 રોડ પરથી પાણી ઉતરી જતા સાંજે 5 વાગ્યાની સ્થિતિએ ખાતળ ફાટકથી ઘોડીરોડ, વાંઝટઆંબા- કોયલીપાડા રોડ અને ચીકટ્યા-ગાઢવી રોડ બંધ રહ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરનારાઓને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. ડાંગમાં છેલ્લા 24 કલાકમાં વઘઇમાં 7 ઇંચ, સાપુતારામાં 2.72 ઇંચ, આહવામાં 5.16 ઇંચ અને સુબિરમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો હતો.








