Sabarkantha/ હિંમતનગરમાં નશામાં ધૂત ટેન્કર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા, રોષે ભરાયેલા લોકોએ આપ્યો 'મેથીપાક'
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-પાણપુર-ઈલોલ રોડ પર એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-પાણપુર-ઈલોલ રોડ પર એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત એક કેમિકલ ટેન્કર ચાલકે રોડ પર જઈ રહેલા અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નશાના જોરે બેકાબૂ બન્યું જમ્બો ટેન્કર
મળતી માહિતી મુજબ, હિંમતનગરના પાણપુર અને ઈલોલને જોડતા માર્ગ પર એક જમ્બો કેમિકલ ટેન્કરનો ચાલક દારૂના નશામાં પૂરેપૂરો ધૂત હતો. નશાને કારણે ચાલકે ટેન્કર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા, ઈકો કાર અને ક્રેટા કારને નુકસાન પહોંચ્યું હતું:
લોકોનો આક્રોશ અને ચાલકની ધોલાઈ
અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયત્ન કરતા ચાલકને ઝડપી પાડ્યો હતો. નશામાં ધૂત ચાલકની આ હરકતથી રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને બરાબરનો 'મેથીપાક' આપ્યો હતો.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ ઝડપેલા ટેન્કર ચાલકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે નશાખોર ચાલકની અટકાયત કરી છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે તમામ વાહન ચાલકો સુરક્ષિત છે અને કોઈ મોટી ઈજા થઈ નથી.








