Dhrangadhra/ ટ્રેલરનો કહેર: રાજગઢ પાટિયા પાસે રિક્ષાને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત
ધ્રાંગધ્રા: માલવણથી ધ્રાંગધ્રા જતા હાઈવે પર આવેલા રાજગઢ પાટિયા પાસે આજે એક ભયાનક અકસ્માત

ધ્રાંગધ્રા: માલવણથી ધ્રાંગધ્રા જતા હાઈવે પર આવેલા રાજગઢ પાટિયા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા હેવી ટ્રેલરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મોરબીના સિરામિક ટ્રાફિકે વધાર્યું જોખમ
નોંધનીય છે કે, મોરબી સિરામિક હબ હોવાને કારણે આ રસ્તા પર આખા દેશમાંથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. મોટાભાગના ડ્રાઈવરો માલ પહોંચાડવાની ઉતાવળમાં વાહનો બેફામ ગતિએ હંકારે છે. આ ભારે વાહનોની અતિશય સ્પીડના કારણે અવારનવાર નાના વાહન ચાલકો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
ડ્રાઈવર વાહન મૂકી ફરાર
અકસ્માત સર્જ્યા બાદ હેવી ટ્રેલરનો ડ્રાઈવર માનવતા ભૂલીને વાહન રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી ફરાર ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પીડ કંટ્રોલની ઉઠતી માંગ
હાઈવે પર સતત વધતા અકસ્માતોને જોતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે હાઈવે પર દોડતા આવા ભારે વાહનોમાં 'સ્પીડ ગવર્નર' (સ્પીડ કંટ્રોલ) હોવું અનિવાર્ય બનાવવું જોઈએ, જેથી બેફામ ગતિ પર અંકુશ લાવી શકાય અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.








