DRI અને CID ક્રાઈમે ઉમરગામમાંથી ઝડપી ડ્રગ્સની મોટી ફેક્ટરી, 25 કરોડના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ
ઉમરગામ GIDCમાં આવેલી ગાલા ટાઈપ ફેક્ટરીમાંથી 25 કરોડનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપી

ઉમરગામ GIDCમાં આવેલી ગાલા ટાઈપ ફેક્ટરીમાંથી 25 કરોડનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. વાપી DRIની ટીમને મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં સ્થળ પરથી 17.33 કિલો ડ્રગ્સનો જથ્થો, રો મટિરિયલ્સ અને મશીનરી મળી આવ્યા હતા. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
17.33 કિલો જેટલો એમડી ડ્રગ્સ સાથે એક સુપરવાઈઝર અને બે કામદારની ધરપકડ
છેલ્લાં ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાંથી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. યુવાધનમાં પ્રચલિત બનેલું આ સિન્થેટીક ડ્રગ્સ મ્યાઉં મ્યાઉં ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે. ઉમરગામ GIDCના સેકન્ડ ફેઝમાં આવેલા પ્લોટ નં. 404માં આવેલી સૌરવ ક્રિએશન નામક કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું વાપી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને બાતમી મળી હતી. જે બાદ DRIની ટીમ, CID તેમજ નાર્કોટીક્સ સેલ દ્વારા સંયુક્ત રીતે ગઈકાલે ગાલા ટાઈપની ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. જ્યાંથી ટીમને 17.33 કિલો જેટલો એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સાથે મશીનરી અને અમુક રો-મટિરિયલ્સ પણ મળી આવ્યું હતું. ડીઆરઆઈની ટીમે પાડેલા દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી એક સુપરવાઈઝર અને બે કામદાર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ પણ મળી આવ્યા હતા. જેઓ ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં મહત્વની ભુમિકા ભજવતા હતાં. ટીમે પકડેલા ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 25 કરોડને આંબી જાય છે.
કોર્ટે ત્રણ આરોપીઓના 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓમાં સુપરવાઈઝર વિક્રાંત વિજય પટેલ ઉર્ફે વીકી (ઉં.વ.44, રહે. દહેરી, ઉમરગામ), કલ્પેશ પિતાંબરભાઈ દોડિયા (ઉં.વ.45, રહે. નંદેલાવ, ભરૂચ) અને અજયકુમાર મહતો (ઉં.વ.41, રહે. ડાભેલ, દમણ)ને ઉમરગામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓને 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. છેલ્લાં થોડા સમયથી ભાડા પર લીધેલા ગાલામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ ડ્રગ્સનું ઉત્પાદન કરતાં હતા. જેઓ કેમિકલનું ઊંડું જ્ઞાન ધરાવવાની સાથે ડ્રગ્સ ઉત્પાદનમાં નિપુણ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડ્રગ્સનું ઉત્પાદન કરાવનારા મુખ્ય સુત્રધારની શોધખોળ શરૂ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ભુતકાળમાં પણ એમડી ડ્રગ્સ ઉત્પાદનમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. જોકે ડ્રગ્સનું ઉત્પાદન કરાવનારો મુખ્ય સુત્રધાર હજુ ડીઆરઆઈની ટીમના હાથે લાગ્યો નથી. પરંતુ અગાઉ પકડાયેલા એમડી ડ્રગ્સ પ્રકરણમાં મુખ્ય સુત્રધારની સંડોવણી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેની શોધખોળ ચાલી રહી છે. હાલ તો DRIની ટીમ દ્વારા આ પ્રકરણમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે, ઉત્પાદિત ડ્રગ્સ ક્યાં અને કોને પહોંચાડવામાં આવતું હતું તે સહિતની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
વિક્રાંત પટેલના ઘરે તપાસ, ડ્રગ્સ બનાવવાની હાથથી બનાવેલી ફોર્મ્યુલા મળી
DRIની ટીમે સુપરવાઈઝર વિક્રાંત પટેલના દહેરી સ્થિત નિવાસસ્થાને હાથ ધરેલી તપાસમાં ડ્રગ્સ કેવી રીતે બનાવવી તેની હાથથી લખેલી ફોર્મ્યુલા મળી આવી હતી. સાથે એમડી ડ્રગ્સમાં ઉપયોગમાં લેવાતાં કેમિકલ ખરીદીના બિલો તેમજ અન્ય સંલગ્ન વસ્તુઓ મળી આવી હતી. સાથે ભાડે રાખેલા ગાલાનો ગત મહિને જ કરાર કરેલો એગ્રીમેન્ટ પણ મળી આવ્યો હતો.








