રાજ્યમાં નકલી ડોક્ટરની વણઝાર વચ્ચે સુરતના અનોખા ડોક્ટર, 95 વર્ષની વયે માત્ર 20 રૂપિયામાં કરે છે સારવાર
રાજ્યમાં એક તરફ નકલી ડોક્ટરની ભરમાર ચાલી રહી છે. નકલી ડોક્ટરને જન્મ આપતા ડુપ્લિકેટ ઈન્સ્ટિટ્યુટ પણ ઝડપાઈ

રાજ્યમાં એક તરફ નકલી ડોક્ટરની ભરમાર ચાલી રહી છે. નકલી ડોક્ટરને જન્મ આપતા ડુપ્લિકેટ ઈન્સ્ટિટ્યુટ પણ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં એક અનોખા ડોક્ટર છે. જે દર્દીઓની સેવા 95 વર્ષની ઉંમરે પણ અડિખમ રીતે કરી રહ્યાં છે. છેલ્લા 70 વર્ષથી દર્દી નારાયણની સેવામાં રત એવા ડોક્ટર દશરથલાલ પચ્ચીગર હાલ માત્ર 20 રૂપિયા લઈને સ્વસ્થતાથી દર્દીઓને સ્વસ્થ બનાવી રહ્યાં છે.
ગાંધીજીના આદર્શોને વરેલા ડોક્ટર
સાદું જીવન અને ઉચ્ચ વિચારને જીવનમંત્ર બનાવીને ડો. પચ્ચીગર ગાંધીજીને આદર્શ માની માત્ર ખાદીના જ કપડાં પહેરે છે. ડોક્ટરીનો વ્યવસાય કમાવા માટે નહીં પરંતુ દર્દીઓની સેવા કરી રહ્યા છે. એટલા માટે તેઓ માત્ર નજીવી ફી લઈ રહ્યાં છે. કોલકાત્તામાં હોમિયોપેથીનો અભ્યાસ કરીને 12 વર્ષ સુધી ત્યાં જ પ્રેક્ટિસ કર્યા બાદ 1966થી સુરતમાં તેઓ સેવા આપી રહ્યાં છે. માતાના પગમાં થયેલા ગેંગરીનમાં પગ કપાવવાની ફરજ પડે તેમ હતી ત્યારે હોમિયોપેથીથી તેમણે સારવાર કરીને પગ બચાવ્યો હતો.
રોજના 30 દર્દીઓની સારવાર
95 વર્ષની ઉંમરે પણ પ્રોપર જોઈ અને સાંભળી શકતા ડો. પચ્ચીગરે મોટાભાઈઓ સાથે મળીને માતાના નામ પર જ ચંદ્રાવતીબેન ધનસુખલાલ પચ્ચીગર કોલેજ ઓફ હોમિયેપેથિક મેડિસીન (સી.ડી પચ્ચીગર હોમિયોપેથી કોલેજ)ની 1982માં કોલેજની સ્થાપના કરી હતી.જેમાં તેમણે ફાઉન્ડર ટ્રસ્ટી અને ફાઉન્ડર પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. ગુજરાતના હોમિયોપેથી બોર્ડમાં એડવાઈઝર તરીકે પણ સેવા આપી હતી. હાલ રોજના 30 જેટલાં દર્દીઓની સારવાર કરે છે.
70 વર્ષથી ચા નથી પીધી
75 વર્ષની ઉંમર સુધી રોજ સાઈકલ લઈને કોલેજ પર આવતા જતા હતા. સ્વાસ્થયનું રહસ્ય અંગે તેમણે કહ્યું કે, હાલ રોજ સવારે ડ્રાયફ્રૂટ અને દુધ પીવ છું. ત્યાર બાદ રાત્રે ભોજન લઉ છું. ફાસ્ટફૂડની તો વાત જ જવા દો, મેં છેલ્લાં 70 વર્ષથી ચા પણ પીધી નથી. કોરોનામાં પણ લોકોની સારવાર કરતો લોકો ના પાડતા છતાં હું મારું કામ અવિરત કરતો. બીજી લહેરમાં કોરોના થયો તો જાતે દવા કરીને 28 દિવસમાં કોરોના મુક્ત થયો હતો. ખૂબ બધી સિદ્ધિઓ મળી છે. પરંતુ મારા મતે દર્દીઓને દર્દ મુક્ત કરવા એ જ મોટી સિદ્ધિ છે.








