VIDEO: માયાભાઈ આહીરની તબિયત અંગે ડોક્ટરે આપ્યું સત્તાવાર નિવેદન, જુઓ શું કહ્યું
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયક માયાભાઈ આહી

મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયક માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. માયાભાઈની સારવાર કરી રહેલાં ડૉ.તેજસ પટેલે તેમની તબિયત અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેજસ પટેલે જણાવ્યું કે, માયાભાઈની તબિયત હાલ સારી છે.
હોસ્પિટલ લવાયા ત્યારે માયાભાઈની કન્ડિશન ક્રિટિકલ હતી : ડૉ.તેજસ પટેલ
માયાભાઈની તબિયતને લઈને ડૉ.તેજસ પટેલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ડૉ.પટેલે જણાવ્યું કે, માયાભાઈ હોસ્પિટલ આવ્યા ત્યારે એકદમ ક્રિટિકલ હાર્ટ અટેકવાળી સ્થિતિ હતી. લગભગ રાતના 12:30, 1 વાગતા અમે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂક્યું અને જે બ્લોકેજ હતું તે ક્લિઅર થઈ ગયું છે. હવે તેમની સ્થિતિ ખૂબ જ સારી છે અને રિકવરી પણ આવી રહી છે.
આપણે એકદમ રેડી છીએ, ચિંતાની જરૂર નથી : માયાભાઈ
આ સિવાય સારવાર બાદ માયાભાઈનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે. 'જય સિયારામ આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.'
શું હતી સમગ્ર ઘટના?
કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોકડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.








