મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ દિવાન બલ્લુભાઈ સ્કૂલની વેનનો અકસ્માત, વ્હાઇટ નંબર પ્લેટ પર ગેરકાયદે દોડતું હતું વાહન

અમદાવાદના ખોડિયાર નગર બ્રિજ પાસે આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી

Ahmedabad/ દિવાન બલ્લુભાઈ સ્કૂલની વેનનો અકસ્માત, વ્હાઇટ નંબર પ્લેટ પર ગેરકાયદે દોડતું હતું વાહન

અમદાવાદના ખોડિયાર નગર બ્રિજ પાસે આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દિવાન બલ્લુભાઈ સ્કૂલના બાળકોને લઈને જતી એક સ્કૂલ વેન અચાનક કાબૂ ગુમાવતા BRTS ટ્રેકની રેલિંગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં વેનમાં સવાર તમામ ૧૦ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે અને કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.

નિયમોના લીરેલીરા: વ્હાઇટ નંબર પ્લેટ પર દોડતી હતી વેન

અકસ્માત બાદ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે સ્કૂલ વેન અકસ્માતનો ભોગ બની તે નિયમ મુજબ કોમર્શિયલ વાહન નહોતું. વેન પર વ્હાઇટ (ખાનગી) નંબર પ્લેટ હતી, જે નિયમ મુજબ સ્કૂલ વાહન તરીકે વાપરી શકાય નહીં. ઘટનાસ્થળે જોવા મળ્યું હતું કે સ્કૂલ વેન અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં હતી, જે મુસાફરી માટે અયોગ્ય જણાઈ રહી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાના કોઈ પણ ધારાધોરણો આ વેનમાં જળવાયા ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

તંત્ર સામે સવાલો

નિયમ મુજબ સ્કૂલ વેન કે રિક્ષા કોમર્શિયલ વાહન હોવું અને તેના પર પીળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. જોકે, તેમ છતાં અમદાવાદના રસ્તાઓ પર હજુ પણ અનેક ખાનગી વાહનો સ્કૂલ વેન તરીકે ગેરકાયદેસર રીતે દોડી રહ્યા છે. દિવાન બલ્લુભાઈ જેવી જાણીતી સ્કૂલના બાળકો જ્યારે આવી જોખમી વેનમાં મુસાફરી કરતા હોય, ત્યારે વાલીઓ અને તંત્ર બંનેની જાગૃતિ સામે સવાલો ઉભા થાય છે.

વાલીઓ માટે ચેતવણી

આ ઘટના બાદ RTO અને પોલીસ દ્વારા સ્કૂલ વાહનોના ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાલીઓએ પણ પોતાના બાળકોને જે વાહનમાં મોકલે છે તે સુરક્ષિત છે કે નહીં અને વાહન ચાલક પાસે જરૂરી પરમિટ છે કે નહીં તેની તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે.

આ સમાચાર શેર કરો