નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખને લગ્નના વરઘોડામાં પડ્યો માર, ભાજપના બે જૂથો વચ્ચે મારામારીથી ખળભળાટ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખના વેવાઇના ઘરે લગ્ન પ્રસંગ હતો.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખના વેવાઇના ઘરે લગ્ન પ્રસંગ હતો. જેમાં જાનનો વરઘોડો નીકળ્યો હતો. તેમાં બબાલ થતા સમાધાન માટે તિલકવાડાના આદિજાતિ મોરચાના મહામંત્રી અને તેના ભાઈ તેમજ કુટુંબી જનો ગયા હતા. ભાજપના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલ સમાધાનને લઈને નેતાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
વરઘોડામાં બબાલ
જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના પુત્રો વરઘોડામાં કેમ સમાધાન કરવા માટે આવ્યા એમ કહી ભાજપના આદિજાતિ મોરચા મહામંત્રી અને તેના ભાઈ તેમજ કુટુંબીજનો ઉપર નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના પુત્રો ભેગા મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચારને ઇજા થઈ છે. જ્યારે ત્રણ લોકો તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. જ્યારે પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી દવાખાનામાં કરી રહી છે. હાલ તો ભાજપના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પણ ઈજાગ્રસ્ત બન્યા છે. તેઓને સારવાર માટે ડભોઇ લઈ જવાયા હતાં. ગ્રામજનોના જણાવ્યા મુજબ લગ્ન પ્રસંગમાં વરઘોડામાં બબાલ થઈ હતી.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ
ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હાલ તો આ બબાલને લઈને વિમાસણમાં મુકાયા છે. એક જ સમાજના લોકો છે. તે વચ્ચે મારામારી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ સામે પણ ફરિયાદ નોંધવા માટેની આદિજાતિ મોરચાના મહામંત્રીના ભાઈ મનોજભાઈ તડવી દવાખાનાની પથારીમાં પોલીસ ફરિયાદ આપી છે. હવે પોલીસ પણ મૂંઝાઈ ગઈ છે. કેમ કે જિલ્લા પંચાયત પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નશાની હાલતમાં હતા તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ વેટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે. પરંતુ, ભાજપના દિગ્ગજ નેતા ગણાતા જિલ્લા પંચાયત પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ તો ભાજપની આબરૂ જાય તેમ છે. જેને લઇને સમાધાન કરવા માટે ભાજપના નેતાઓ મેદાને પડ્યા છે. હાલ તો ભાજપના બે જૂથો વચ્ચે મારામારીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.








