Surendranagar news: SMCના દરોડા બાદ LCBની સમગ્ર ટીમનું વિસર્જન, ધરખમ ફેરફાર બાદ પોલીસ બેડામાં ફફડાટ
ગુજરાતના સુરેન્દ્રનગર પોલીસબેડામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.

ગુજરાતના સુરેન્દ્રનગર પોલીસબેડામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. SMCના દરોડા બાદ એક્શનમાં આવેલા પોલીસ વડાએ LCB પી.આઈ. જે.જે. જાડેજાના સસ્પેન્શન બાદ આખી LCB શાખાનું વિસર્જન કરી દીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
અનેક પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, જિલ્લામાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા પૂર્વ વહીવટદારો સામે પણ કાર્યવાહીનો ગાળિયો કસાયો છે.
ઉચ્ચ અધિકારીઓ હવે મેદાને આવ્યા
વર્ષો જૂની પરંપરાઓ બદલીને પોલીસ વિભાગની છબી સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓ હવે મેદાને આવ્યા છે. આગામી દિવસોમાં સુરેન્દ્રનગર પોલીસમાં હજુ પણ મોટા કડાકા-ભડાકા થવાની શક્યતા છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે ટૂંક સમયમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓના સ્ટાફમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ સતત દરોડા પાડી રહી છે, સુરેન્દ્રનગર એસપી પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.





