મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

થાનગઢમાં સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગીથી ચૂંટણી પર ભાજપની ચિંતા વધી

Thangadh Municipality Election 2025 : 16 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ

થાનગઢમાં સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગીથી ચૂંટણી પર ભાજપની ચિંતા વધી

Thangadh Municipality Election 2025 : 16 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા થાનગઢ પંથકના સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે; કારણ કે છેલ્લા થાનગઢ નગરપાલિકામાં બે વર્ષથી વહીવટદારનું શાસન હતું અને તે પહેલા પણ ભાજપનું શાસન હતું. 

ટ્રાન્સપોર્ટ માટે પાકા રોડ-રસ્તા નથી, સિરામિક ઉદ્યોગને દર વર્ષે કરોડોનું નુકસાન 

થાનગઢમાં રોડ-રસ્તા, પ્રાથમિક સુવિધા, પીવાનું ચોખ્ખું પાણી અને ડ્રેનેજની કોઈ વ્યવસ્થા પંથકમાં ઉપલબ્ધ નથી, જેને લઇને થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આ સમસ્યાઓ મુખ્ય મુદ્દાઓ આ બની છે.

સૌથી મહત્વનો મુદ્દો એ છે કે થાનગઢમાં સીરામીક ઉદ્યોગ ધમધમી રહ્યો છે, પણ ટ્રાન્સપોર્ટ માટે પાકા રોડ-રસ્તા નથી. ખાડાવાળા રોડને કારણે દર વર્ષે ટ્રાન્સપોર્ટમાં લઇ જવામાં આવતો તૈયાર થયેલો માલ ફૂટી જાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન આવે છે ચૂંટણીમાં મહત્વનો મુદ્દો આ રહેવાનો છે.

ઉદ્યોગમાં વપરાતું મીઠું પાણી વેચાતું લેવું પડે છે 

અન્ય પરિસ્થિતિ એવી છે કે દર મહિને થાનગઢમાં સિરામિક ઉદ્યોગમાં મીઠું પાણી વેંચાતું લેવું પડે છે અને નાના-મોટા 300થી વધુ ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન થાય છે. નગરપાલિકા પીવાનું મીઠું પાણી પણ નથી પહોંચાડી શકતી અને શહેરી વિસ્તારોમાં પણ દસ દિવસે પીવાનું પાણી મળતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. 

આ તમામ પરિસ્થિતિને જોતા થાન નગરપાલિકાની 28 બેઠક અને 7 વોર્ડમાં ભાજપની ચિંતામાં વધારો છેલ્લી ઘડીએ થયો હોય તેવું લાગી રહ્યું છે.

થાનગઢમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી

થાનગઢમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી રહી છે. ઉદ્યોગકારો પાસેથી આવારા તત્ત્વો દર મહિને ખંડણી ઉઘરાવી રહ્યાં હોવાની ફરિયાદો પણ મળી રહી છે. ઉદ્યોગકારો સુરક્ષિત ન હોય એટલે તેની અસર ચૂંટણીમાં પડી શકે છે. 

સિરામિક ઉદ્યોગકારોને મનાવવા સ્થાનિક ધારાસભ્ય સહિતના ભાજપ નેતાઓ દોડતા થય

સ્થાનિક ધારાસભ્ય દ્વારા થાનના સીરામીક ઉદ્યોગકારોને બંધ બારણે મનામણા કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાની ચર્ચા છે, પરંતુ તે આ સમગ્ર બાબત પાર ન પાડી શક્યા હવે સિરામિક ઉદ્યોગકારો નારાજ હોવાના પગલે કેબિનેટ મંત્રી મુળુ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરાને મેદાને ઉતારવામાં આવ્યા છે. 

થાનગઢના નારાજ સિરામિક ઉદ્યોગકરોને મનાવવા માટે અને તેમનાપ્રશ્નો સાંભળવા અને તેના નિવારણ માટેની ખાતરીઓ આપવા હવે નેતાઓમાં દોડધામ કરવા લાગ્યાં છે. આવતીકાલે નેતાઓ થાનગઢમાં ધામા નાખશે  અને સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરશે, જેમાં  આ તમામ મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવશે અને તે નિવારવા માટેની ખાતરીઓ આપવામાં આવશે.  થાનગઢ નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. 

આ સમાચાર શેર કરો