BZ કૌભાંડમાં સામેલ એજન્ટ શિક્ષકો સામે શું કાર્યવાહી કરવામાં આવી? ગૃહમાં સરકારે આપી માહિતી
BZ કૌભાંડનો મુદ્દો ગુજરાત વિધાનસભા ગૃહમાં ગાંજ્યો હતો. ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ BZ ક

BZ કૌભાંડનો મુદ્દો ગુજરાત વિધાનસભા ગૃહમાં ગાંજ્યો હતો. ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ BZ કૌભાંડને લઇને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. BZ કૌભાંડમાં સંકળાયેલા શિક્ષકો વિશે વિધાનસભા ગૃહમાં માહિતી માંગવામાં આવી હતી જેમાં જે શિક્ષકો આ કૌભાંડમાં સંકળાયેલા છે તેમના વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી માંગવામાં આવી હતી.
BZ ગ્રુપમાં 18 શિક્ષકો એજન્ટ તરીકે કરતા હતા કામ
રાજ્ય સરકારના ગૃહ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે BZ ગ્રુપના કૌભાંડમાં રાજ્ય હસ્તકના કૂલ 18 શિક્ષકો એજન્ટ તરીકે સંકળાયેલા હતા. પોલીસ તપાસમાં 18 શિક્ષકો વિરૂદ્ધ પુરાવા મળ્યા છે. પોલીસે આ તમામ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
22 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરાઇ
CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં BZ કૌભાંડમાં સાત આરોપીઓ વિરૂદ્ધ 22 હજાર પેજની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકી છે.CID ક્રાઇમે ચાર્જશીટમાં 11183 રોકાણકારોના 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું છે. હાલ કૂલ 6866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે.
BZના એજન્ટ શિક્ષકોને મોંઘીદાટ કાર ગીફ્ટમાં આપવામાં આવતી
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં શિક્ષક એજન્ટોને રોકાણ કરાવ્યા બાદ મોંઘીદાટ કાર ગિફ્ટમાં પણ આપવામાં આવતી હતી. મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલે 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે પણ 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મળ્યું હતું. અત્યારે શિક્ષકની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી.
શું છે ઘટના?
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.








