મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુદ્ધની સીધી અસર:જેતપુરનો સાડી ઉદ્યોગ ‘વેન્ટિલેટર’ પર! રો-મટીરિયલ મોંઘું થતાં હજારો શ્રમિકોની રોજીરોટી જોખમમાં

Jetpur Textile Industry: જેતપુર શહેર અને પંથકની જીવાદોરી સમાન ગણાતા ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ

યુદ્ધની સીધી અસર:જેતપુરનો સાડી ઉદ્યોગ ‘વેન્ટિલેટર’ પર! રો-મટીરિયલ મોંઘું થતાં હજારો શ્રમિકોની રોજીરોટી જોખમમાં

Jetpur Textile Industry: જેતપુર શહેર અને પંથકની જીવાદોરી સમાન ગણાતા ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ પર હાલમાં ગંભીર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ પર પડી છે. રો-મટીરીયલના ભાવમાં અસહ્ય વધારો અને કોમર્શિયલ એલપીજી ગેસની અછતના કારણે અનેક મશીનવાળા પ્રિન્ટિંગ એકમોને તાળાં વાગવાની નોબત આવી છે, જેનાથી હજારો શ્રમિકોની રોજગારી જોખમમાં મુકાઈ છે.

ઉત્પાદન ખર્ચમાં તોતિંગ ઉછાળો

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા તાજેતરમાં કારોબારીની મીટિંગ બાદ એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સેક્રેટરી ચેતનભાઈ જોગીની સહીથી જારી થયેલા પત્ર મુજબ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટેના કલર, કેમિકલ્સ અને પેકિંગ મટીરિયલના ભાવમાં 20ટકાથી 30 ટકાનો અઘધ વધારો નોંધાયો છે. આ ઉપરાંત, એકમોમાં બળતણ તરીકે વપરાતા કોલસા અને ગેસના ભાવ પણ 20ટકાથી 30 ટકા જેટલા ઉંચકાયા છે. આ અસહ્ય બોજાને સરભર કરવા માટે એસોસિયેશને સર્વાનુમતે પ્રિન્ટિંગ જોબવર્કમાં પ્રતિ મીટર  2 રૂપિયા અને સાડી દીઠ 10 રૂપિયાનો ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

આ કપરી પરિસ્થિતિ અંગે ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતિભાઈ રામોલીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'કારખાનેદારો અત્યાર સુધી નુકસાન વેઠીને પણ ગમે તેમ કરીને એકમો ચલાવી રહ્યા હતા જેથી મજૂરોને રોજીરોટી મળતી રહે. પરંતુ, હાલમાં યુદ્ધની વ્યાપક અસરને લીધે એલપીજી કોમર્શિયલ ગેસના પુરવઠામાં ભયંકર અછત ઊભી થઈ છે. પરિણામે, જેતપુરના કેટલાક મશીનવાળા એકમો ફરજિયાતપણે બંધ થઈ ગયા છે અને મોટાભાગના ટેક્સટાઈલ એકમોમાં ઉત્પાદન સાવ તળિયે પહોંચી ગયું છે.'

80 હજારથી વધુ શ્રમિકોની રોજીરોટી પર સંકટ

જેતપુરના આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 80000 જેટલા શ્રમિકો જોડાયેલા છે. કારખાનેદારો હાલમાં એ યક્ષપ્રશ્નનો સામનો કરી રહ્યા છે કે આટલા મોંઘા રો-મટીરીયલ અને ગેસની અછત વચ્ચે પોતાના એકમો કેમ ચલાવવા અને હજારો લોકોને રોજગારી કેમ આપવી. જો પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે તો શહેર અને તાલુકાના આર્થિક તંત્ર, નાના-મોટા આનુસંગિક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા-રોજગાર પર અત્યંત ગંભીર અને માઠી અસરો પડશે.

આ સમાચાર શેર કરો