દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, પોલીસે ફરિયાદ ના લેતા કોર્ટમાં કરી અરજી
ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે. સાણંદ નજીક દેવાયત ખવ

ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે. સાણંદ નજીક દેવાયત ખવડની કાર પર હુમલાને લઇને પોલીસે યોગ્ય કાર્યવાહી ના કરતા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે ફરિયાદ ન નોંધતા હાઇકોર્ટમાં અરજી કરી છે.આરોપીઓ સામે ફરિયાદ નોંધવા, મુદ્દામાલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરાઇ છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
શું છે ઘટના?
20 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન હતો રહ્યો તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે બન્ને આયોજકોના નિવેદન હજુ સુધી સામે આવ્યા નથી.
દેવાયત ખવડે કરી હતી સ્પષ્ટતા
દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
વધુમાં દેવાયત ખવડે દાવો કર્યો કે, 'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું. અહીં ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે પોતાની ગાડી પર થયેલાં હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટીપ્પણી કે ઘટના વિશે વાત કરી નથી.








