દેવાયત ખવડની કાર અને રૂપિયાની લૂંટ, કહ્યું ‘પોલીસે 17 કલાક ડ્રાયવરને બેસાડી રાખ્યો, ફરિયાદ નથી લેતા’
લોકસાહિત્યની દુનિયામાં દેવાયત ખવડ ખૂબ જ જાણીતું નામ છે. અવાર-નવાર તે પોતાના નિવેદનો અને વિવાદોના કારણે ચર્ચ

લોકસાહિત્યની દુનિયામાં દેવાયત ખવડ ખૂબ જ જાણીતું નામ છે. અવાર-નવાર તે પોતાના નિવેદનો અને વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. ગુરુવારે (20 ફેબ્રુઆરી) દેવાયત ખવડની ગાડી પર હુમલાને લઈને હાલ ફરી તે ચર્ચામાં છે. દેવાયત ખવડ પર હુમલાને લઈને એવી ચર્ચા કરવામાં આવી હતી કે, તેણે ડાયરાના પૈસા લઈને ડાયરો નહતો કર્યો. જોકે, હવે દેવાયત ખવડ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
મારો ડ્રાયવર 17 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠો
સમગ્ર મામલે આજે શનિવારે (22 ફેબ્રુઆરી, 2025) ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઘટના મામલે ચાંગોદર પોલીસને રજૂઆત કરી હતી. જેમાં તેમણે પોલીસને પ્રશ્નો કર્યા હતા કે, ‘આ મામલે ફરિયાદ કેમ લેવામાં આવતી નથી. મેં મારી અરજીમાં 10 લોકોના નામ આપ્યા છે જેમાં 4 લોકોના નામ સામેલ છે. મારી ગાડી લઇ ગયા છે. હુમલો કરનાર લોકો રૂપિયા પણ લૂંટી ગયા છે. કેમ આ મામલે FIR કરવામાં આવતી નથી.’
મીડિયા સાથે વાત કરતા દેવાયત ખવડે જણાવ્યું હતું કે, ‘મે પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે વાત કરી છે. રેન્જ આઇજી સાથે વાત કરી છે પણ મને કોઈ જવાબ મળ્યો નથી.’
દેવાયત ખવડે કરી સ્પષ્ટતા
દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધાં...'
વધુમાં દેવાયત ખવડે દાવો કર્યો કે, 'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું. અહીં ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે પોતાની ગાડી પર થયેલાં હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટીપ્પણી કે ઘટના વિશે વાત કરી નથી.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, ગુરુવારે (20 ફેબ્રુઆરી) દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન હતો રહ્યો તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે બન્ને આયોજકોના નિવેદન હજુ સુધી સામે આવ્યા નથી.








