મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકામાં ઈજનેર હોવા છતાં કન્સલ્ટન્સી પાછળ થાય છે લાખો રૂપિયાનો ખર્ચ

સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની યોજાયેલી બેઠકમાં આજે રોડ કન્સલ્ટન્સી, કુત્રિમ તળાવ સહિતના કામ ઉપર ચ

સુરત પાલિકામાં ઈજનેર હોવા છતાં કન્સલ્ટન્સી પાછળ થાય છે લાખો રૂપિયાનો ખર્ચ

સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની યોજાયેલી બેઠકમાં આજે રોડ કન્સલ્ટન્સી, કુત્રિમ તળાવ સહિતના કામ ઉપર ચર્ચા થઈ હતી. જાહેર બાંધકામ સમિતિમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પ્રશ્નો ઉભો કર્યો કે ઇજનેર કક્ષાના તમામ કર્મચારી હોવા છતાં પણ કન્સલ્ટન્સી પાછળ પાલિકા લાખો રૂપિયાનો ધુમાડો શા માટે કરે છે. પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા બ્રિજથી લઈને રોડ સુધી ખખડધજ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે છતાં પણ કન્સલ્ટન્સી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની માનસિકતામાંથી કોર્પોરેશન બહાર આવતું નથી.

ઈજનેરો પર વિશ્વાસ નથી?

આજરોજ જાહેર બાંધકામ સમિતિની મિટિંગમાં કામ નં.-2 બાબતે ભેસ્તાનમાં ટી.પી.રોડથી ભાગ્યોદય વિદ્યાલય સુધીના રોડને સિમેન્ટ કોંક્રિટ કરવાના કામ માટે એક કન્સલ્ટન્સી રોકવાનું કામ સોપાનનો નિર્ણય કરાયો છે. શાસકોને પાલિકામાં કોઈ સક્ષમ અધિકારીઓ જ ના મળ્યા કે બહારથી કન્સલ્ટન્ટ રોકવા પડે છે? શું પાલિકાના અધિકારીઓને ઈજનેરો પર વિશ્વાસ નથી? આ પ્રકારના પ્રશ્નો આપના કોર્પોરેટરે ઉભા કર્યા હતા. કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્સી સામે યોગ્ય કામગીરી ન કરાતી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. પ્રજાના પૈસાથી કન્સલ્ટન્સી નિમિને માત્ર રૂપિયાનો વેડફાટ જ કરવામાં આવી રહ્યો છે.

પોતાના અધિકારીઓ પર વિશ્વાસ નથી

આપના કોર્પોરેટર સેજલ માલવિયાએ મિટિંગમાં જણાવ્યું કે, સુરત કોર્પોરેશનમાં શાસકો અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગત ના કારણે કરોડો રૂપિયા વેડફાતા હોય છે. પ્રજાના ટેક્સના રૂપિયા અને લઈને શાસકોને કોઈ ગંભીરતા નથી. રસ્તા બાબતે શા કારણે કન્સલ્ટન્ટ રોકવાની ફરજ પડાઈ રહી છે? એક બાજુ મહત્વના પ્રોજેક્ટો માટે પાલિકા પાસેથી પૈસા નથી, રાજ્ય સરકાર સમયસર અને પુરતી ગ્રાન્ટ આપતી નથી. તેવામાં આવા ખર્ચા પાલિકાની તિજોરી પર દેખીતો બોજો જ છે. જાહેર બાંધકામ સમિતિ ચેરમેનને આવા ખોટા ખર્ચાના કરવાં અને પાલિકાના સક્ષમ અધિકારીઓ પર ભરોસો રાખવા ટકોર કરી હતી.

આ સમાચાર શેર કરો