સુરતમાં રેતી ખનનમાં હેરાનગતિ ન કરવા 2 લાખની લાંચ માગી, ક્લાસ-1 અધિકારીનો સાગરિત આ રીતે ઝડપાયો
લાખો રૂપિયાના પગાર મેળવનારા સરકારી કર્મચારીઓને લાંચ રકમ મધમીઠી લાગતી હોય છે. આ લાલચના કારણે જ લાં

લાખો રૂપિયાના પગાર મેળવનારા સરકારી કર્મચારીઓને લાંચ રકમ મધમીઠી લાગતી હોય છે. આ લાલચના કારણે જ લાંચ લેવામાં પાછીપાની ન કરતાં ક્લાસ-1 ઓફિસર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગના માલદાર હોદ્દા પર બેઠા બેઠાં લાખોની લાંચ પોતાના સાગરિતોના હાથે લેતા હોવાનું રંગેહાથ સામે આવ્યું છે. હાલ સાગરિત ઝડપાયો છે જ્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પૂરાવાના આધારે કાર્યવાહી
સુરતના બીઆરટીએસ રોડ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટીંગમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્કોડમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક કલાસ-1 ઓફિસર નરેશભાઈ જાનીનો સાગરિત બે લાખની લાંચ લેતા ઝડપાયો છે. સરથાણામાં રહેતો કપીલ પરષોત્તમ પ્રજાપતિ ઓફિસર સાથે મેળાપીપણામાં લાંચ લેતા ઝડપાયો છે. બન્નેએ ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પૂરાવા પણ એસીબીને હાથ લાગ્યા છે. જો કે, ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી.
બે લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી. જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારીએ બે લાખની લાંચ માગી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન સાગરિત લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો. હાલ તેને ડિટેઈન કરાયો છે. જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે.








