'દીકરીના છૂટાછેડાના પૈસા ગણવા બાપ માટે શરમજનક', પાટીદાર સમાજને પરષોત્તમ રૂપાલાની આકરી ટકોર
પોતાની આગવી અને ધારદાર શૈલીમાં વાત રજૂ કરવા માટે જાણીતા લોકસભા સાંસદ પ
પોતાની આગવી અને ધારદાર શૈલીમાં વાત રજૂ કરવા માટે જાણીતા લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સુરત ખાતે એક જાહેર મંચ પરથી પાટીદાર સમાજની કડવી વાસ્તવિકતા વર્ણવી શ્રેષ્ઠીઓને આડે હાથ લીધા છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રૂપાલાએ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને વર્તમાન સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
સમાજની ગંભીર સ્થિતિ પર મનનીય વિચારો
પરષોત્તમ રૂપાલાએ સમાજના ભવિષ્યના પડકારો અંગે વાત કરતા જણાવ્યું કે, સમાજમાં અત્યારે આંતરિક અનુશાસનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમણે પાટીદાર સમાજના નેતાઓ અને શ્રેષ્ઠીઓને ટકોર કરતા કહ્યું કે, "જ્યારે સમાજના કાર્યક્રમોમાં કોઈ નેતાનું ભાષણ ચાલતું હોય, ત્યારે પાછળની હરોળ ખાલી થઈ જતી હોય છે." આ વિધાન દ્વારા તેમણે સમાજની સભાઓમાં ઘટતી જતી શિસ્ત અને ગંભીરતા તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો.
"દીકરીના છૂટાછેડાના પૈસા ગણવા એ શરમજનક"
રૂપાલાએ સૌથી વધુ આક્રમક પ્રહાર સમાજમાં વધતા છૂટાછેડાના કિસ્સાઓ અને તે બાદની માનસિકતા પર કર્યો હતો. તેમણે અત્યંત વ્યથિત હૈયે કહ્યું કે, "સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે તે દુઃખદ છે, પરંતુ તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે દીકરીના છૂટાછેડા પછી તેના પિતા બેસીને પૈસા ગણતા હોય છે." તેમણે આ કુપ્રથાને સમાજ માટે કલંક ગણાવી હતી.
સમાજનું પોતાનું બંધારણ ઘડવા પર ભાર
સમાજમાં આવતા પરિવર્તનો અને કુરિવાજોને રોકવા માટે રૂપાલાએ પાટીદાર સમાજને એક મજબૂત 'સામાજિક બંધારણ' ઘડવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જો સમાજ પોતે પોતાના નિયમો અને અનુશાસન નક્કી નહીં કરે, તો આવનારી પેઢી માટે ગંભીર પ્રશ્નો ઉભા થશે.








