Dang: સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ વિસ્તારમાં બ્રેક ફેલ થતાં 2 કન્ટેનર પલટ્યા, કોઈ જાનહાની નહીં

સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા હતો, જેમાં બે જુદા-જુદા કન્ટેનર ગંભીર રીતે અકસ્માતગ્રસ્ત થયા હતા. જોકે, બંને ઘટનામાં કન્ટેનરના ચાલક અને ક્લિનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
પુણેથી અમદાવાદ તરફ મશીનરીનો જથ્થો ભરીને જઈ રહેલા એક કન્ટેનરના ચાલકે ઘાટ ઉતરતી વખતે એકાએક બ્રેક ફેઈલ થઈ જવાનો અનુભવ કર્યો હતો. ચાલકે સમયસૂચકતા વાપરીને કન્ટેનરને માર્ગની સાઈડમાં આવેલી ભેખડ (ચટ્ટાન) સાથે અથડાવી દીધું હતું. ભેખડ સાથે કન્ટેનર અથડાતા તે રોકાઈ ગયું હતું અને રોડ પર પલટી મારતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.
તો આ જ ઘાટ વિસ્તારમાં અન્ય એક કન્ટેનરના બ્રેક પણ ફેલ થઈ ગયા હતા. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર માર્ગની સાઈડમાં પલટી મારી ગયું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે, બન્ને અકસ્માતમાં કન્ટેનર ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

