જય રણછોડના નાદ સાથે ગુંજ્યું ડાકોર: હોલિકા દહન બાદ ભક્તોએ ધાણી-ખજૂર હોમી અગ્નિદેવની કરી આરાધના
Holi 2026/VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બિરાજતા રાજા રણછોડરાયના મંદિરના આંગણે આજે પરંપર


Holi 2026/VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બિરાજતા રાજા રણછોડરાયના મંદિરના આંગણે આજે પરંપરાગત રીતે અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ડાકોરમાં છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ મંદિરના મુખ્ય ભંડારી મહારાજના વરદ હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી.
ચંદ્રગ્રહણને કારણે વહેલી ઉજવણી
જ્યોતિષીય ગણતરી મુજબ આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને હોલિકા દહનનું પર્વ એક દિવસ અગાઉ એટલે કે આજે જ સંપન્ન કરવામાં આવ્યું છે. હોલિકા દહન પૂર્વે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે હોલિકા માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
ભક્તોનું ઘોડાપૂર
ફાગણી પૂનમના આ પાવન અવસરે ડાકોર નગરી ભક્તિમય બની ગઈ હતી. આશરે 4 થી 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રજ્વલિત હોલિકામાં ભક્તો દ્વારા પરંપરાગત રીતે શ્રીફળ, ખજૂર અને ધાણી હોમીને અગ્નિદેવની આરાધના કરવામાં આવી હતી.
સમગ્ર વાતાવરણ 'જય રણછોડ, માખણ ચોર' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ પોતાના પરિવાર અને સમાજની સુખ-શાંતિ માટે અગ્નિ નારાયણની પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરી હતી.








