VIDEO: કડીમાં નર્ક જેવી સ્થિતિ: 15 સોસાયટીના રહીશોએ દૂષિત પાણીથી ત્રાસી વિરોધ કર્યો
VIDEO: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નાનીકડી વિસ્


VIDEO: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નાનીકડી વિસ્તારમાં આવેલી 15થી વધુ સોસાયટીઓના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટર અને કેમિકલયુક્ત દૂષિત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે ઉશ્કેરાયેલા રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
નર્ક સમાન પરિસ્થિતિ
નાનીકડીની સંતરામ સિટી, કૌશલ્ય બંગલો અને શિવ પેલેસ જેવી સોસાયટીઓના રહીશો હાલ નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. રંગપુરડા માર્ગે આવેલી ઓએનજીસી વૅલ પાસે આશરે 15 વીઘા જમીનમાં ગટર અને ઝેરી કેમિકલવાળું પાણી ભરાઈ રહ્યું છે. આ પાણીના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
જનસ્વાસ્થ્ય જોખમાયું
સ્થાનિક અગ્રણીઓ અને મહિલાઓના જણાવ્યા મુજબ, દૂષિત પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બાળકો અને વડીલો તાવ-શરદી જેવી મચ્છરજન્ય બીમારીઓનો શિકાર બની રહ્યા છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે લાઈટ જાય ત્યારે પમ્પિંગ સ્ટેશન બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ગટરનું પાણી ઉભરાઈને સોસાયટીઓ તરફ આવે છે.
આંદોલનની ચીમકી
નાની કડીના સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. જો આ ગંદકીના કારણે કોઈ જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી કડી નગરપાલિકાની રહેશે તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.






