DAHOD NEWS: સંજેલી તાલુકામાં ગેસ સિલિન્ડર મેળવવા લોકોની પડાપડી, ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ-હોબાળો

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનામાં આજે (30મી મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ બોટલ મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને હોબાળો થયો હતો. માહોલ વધુ ગરમાતાં થોડા સમય માટે સિલિન્ડરનું વિતરણ પણ અટકાવી દેવાની ફરજ પડી હતી.
મામલતદારની હાજરીમાં પણ પડાપડી થતાં મામલો બિચક્યો
મળતી માહિતી અનુસાર, સંજેલી ગેસ એજન્સીના ગોડાઉન પર સંજેલી મામલતદારની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે સંજેલીના લોકો માટે એજન્સી તરફથી બીજા એક વાહનમાં ગેસના સિલિન્ડર ભરીને કર્મચારીઓને વિતરણ માટે મોકલવામાં આવ્યા હતા.
જોકે, લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળ્યા હોવાથી હેરાન-પરેશાન થઈ રહેલા સ્થાનિક ગ્રાહકો વાહન આવતા જ તેના પર તૂટી પડ્યા હતા. 'મને પહેલા આપો, મને પહેલા આપો'ની બૂમાબૂમ સાથે ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં અફરાતફરી મચી ગઈ હતી.
ગ્રાહકોનો ગંભીર આક્ષેપ
લાંબા સમયથી એલપીજી ગેસ સિલિન્ડર ન મળવાના કારણે ગ્રાહકોમાં એજન્સી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે બબ્બે, ત્રણ-ત્રણ મહિનાથી તેમની ગેસ સપ્લાયની ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી દેવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી તેમને ભરેલો સિલિન્ડર આપવામાં આવ્યો નથી. ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
સ્થાનિક ગ્રાહક રમેશ મહારાજે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, 'મારી ચોપડી અને ખાલી બોટલ અંદાજે બે-ત્રણ મહિનાથી એજન્સીમાં જમા છે. બે મહિના વીતી ગયા છતાં હજુ સુધી ગેસ સિલિન્ડર મળ્યો નથી અને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જો એજન્સી બોટલ સપ્લાય ન કરી શકતી હોય તો અમને અમારી ખાલી બોટલ પરત આપી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે.'
અપશબ્દો બોલાતા ઘર્ષણ વધ્યું
આ સમગ્ર હોબાળા અંગે સંજેલી ઈન્ડિયન ગેસ એજન્સીના મેનેજર મુક્જમીન ભાઈએ જણાવ્યું હતું કે, 'એજન્સી દ્વારા ગેસના સિલિન્ડર ભરીને વિતરણ કરવા માટે સંજેલીમાં ટ્રક મોકલવામાં આવી હતી. ત્યાં કેટલાક ગ્રાહકો દ્વારા ભારે પડાપડી કરવામાં આવી હતી. વહેલા બોટલ મેળવવાની લ્હાયમાં બૂમાબૂમ સાથે અપશબ્દો બોલતા જ ઘર્ષણ વધ્યું હતું. જોકે, બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.'
અવારનવાર થતા આ ઘર્ષણને કારણે એક તરફ ગ્રાહકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, તો બીજી તરફ એજન્સીના સંચાલકો માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આ બાબતે કાયમી ઉકેલ લાવે.

