મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: ભાજપ કાઉન્સિલર હિરેન પટેલ કથિત હત્યા કેસમાં પૂર્વ સાંસદના પુત્ર સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

દાહોદ: વર્ષ 2020માં ઝાલોદમાં મોર્નિંગ વોક પર નીકળેલ ભાજપ કાઉન્સિલ

દાહોદ: ભાજપ કાઉન્સિલર હિરેન પટેલ કથિત હત્યા કેસમાં પૂર્વ સાંસદના પુત્ર સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

દાહોદ: વર્ષ 2020માં ઝાલોદમાં મોર્નિંગ વોક પર નીકળેલ ભાજપ કાઉન્સિલર હિરેન પટેલને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર પંથ પટેલ દ્વારા પિતાનું અકસ્માતમાં મોત નહીં પરંતુ તેમની રાજકીય અદાવત રાખી હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ભાજપ નેતા હિરેન પટેલનું ખરેખર અકસ્માતમાં મોત થયું હતું કે હત્યા થઇ હતી તે બાબતે CCTVની મદદ લઇને તપાસ શરૂ કરી હતી.

શરૂઆતમાં હિટ ઍન્ડ રનનો ગણાવાયેલો આ કેસ કોન્ટ્રાકટ કિલિંગની આશંકા લાગતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ આ મામલામાં હત્યાનું કાવતરું રચનાર લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાનું નામ સામે આવતા મામલો ગરમાયો હતો.

27 ડિસેમ્બરે 2020માં ગુજરાતની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા હત્યાનું કાવતરું ઘડનાર ઇમરાન ગુડાલાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઇમરાન ગુડાલાએ આ કેસમાં અમિત કટારાની સંડોવણી હોવાનું પોલીસ આગળ કબૂલતા દાહોદ એલસીબીએ ચિત્રોડિયા ગામે છાપો મારી અમિત કટારાની ધરપકડ કરી હતી.

ઝાલોદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને દાહોદના જ પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારા છે. બાબુ કટારા દાહોદની અનામત બેઠક પરથી ભાજપમાંથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. 2017ની ગુજરાત વિઘાનસભા ચૂંટણી અગાઉ કટારા તેમના પુત્ર ભાવેશ સાથે કૉંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી ભાવેશ કટારા ઝાલોદ વિધાનસભા બેઠક પરથી જીતી ગયા હતા.

જો કે આજે દાહોદ સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપી અમિત કટારા, ઇમરાન ગુડાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ઝાલોદના BJPનાં કાઉન્સિલરની હત્યાનાં આરોપીઓ આ ચુકાદા બાદ 4 વર્ષનાં જેલવાસમાંથી નિર્દોષ છૂટ્યા છે.

આ સમાચાર શેર કરો