દાહોદ: પરણિત મહિલાને અર્ધનગ્ન હાલતમાં સમગ્ર ગામમાં ફેરવનારા 12 ઝડપાયા, પોલીસે દાખલ કરી ફરિયાદ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામે એક પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધ નગ્ન હાલતમાં બાઇક સાથે આખા ગામમાં વરઘોડો કાઢી તેનો વીડિયો ઉતારી વાઇરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી લીધી હતી.
પરિણીતાને અન્ય સાથે હતો પ્રેમ સંબંધ
આ અંગેની વિગત એવી છે કે સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસીગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઇના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો.
પરિણીતાને અર્ધ નગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધીને ફેરવી
પરિણીતાને અર્ધ નગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઇ જઇ ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતાં. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખ્સોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
૧૫ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે ૧૫ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દોડાદોડી કરી તમામની ધરપકડ કરી હતી.

