ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના, મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવવામાં આવતા વિરોધ

ગુજરાતના દાહોદમાં મણીપુરની જેમ જ એક મહીલાને અર્ધનગ્ન હાલતમાં બાઈકની પાછળ બાંધીને ગામમાં ફેરવવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ- ઈસુદાન ગઢવી
આ અંગે આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં કોમન થઈ ગઈ છે અને હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ થઈ રહી છે.
ઘટનામાં 12 આરોપીઓ હાલ જેલની પાછળ- શ્રદ્ધા રાજપુત
દાહોદમાં મહિલા સાથે થયેલા અત્યાચાર મામલે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતએ કહ્યું કે જે સમયે આ બનાવ બન્યો તે સમયે તેનો પતિ હાજર નહોતો અને ગામમાંથી પણ કોઈ મહિલા તેને બચાવા માટે ન આવી તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં 12 આરોપીઓ હાલ જેલની પાછળ છે.શક્ય તેટલી વહેલી તકે ન્યાયની કામગીરી કરવામાં આવશે.
શું છે ઘટના?
35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને અર્ધનગ્ન કરી, માર મારી અને મોટરસાઈકલ પર ફેરવી હતી.ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. '
મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી
આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો, અર્ધનગ્ન કરી અને મોટરસાઈકલના કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો

