વાવાઝોડા 'શક્તિ'ની ગુજરાતના દરિયાકાંઠે અસર શરુ! VIDEOમાં જુઓ કેવી છે હાલત
Cyclone Shakti: અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થયું છે. વાવાઝોડાન

Cyclone Shakti: અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થયું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ(IMD) દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર, આગામી કલાકોમાં સાયક્લોનિક શક્તિનું જોર વધી શકે છે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે.
માંગરોળ દરીયામાં જોરદાર તોફાની કરંટ
જુનાગઢઃ મહત્ત્વનું છે કે, વાવાઝોડું સક્રિય થવાને કારણે માંગરોળના દરીયામાં જોરદાર તોફાની કરંટ જોવા મળી રહ્યો છે. જેને લઈ માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી 3 દિવસ માછીમારોને દરીયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ વાવઝોડાની આગાહીના પગલે માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળ દરીયામાં તોફાની કરંટને લીધે ફીસીંગમા ગયેલી બોટોને સલામત સ્થળે નજીકનાં બંદરે ખસી જવા તંત્ર દ્વારા સુચના આપવામા આવી છે.
ગીર સોમનાથનું વહીવટી તંત્ર સજ્જ
અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે. જેને લઈ ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટિમ મારફતે સતત દેખરેખ રાખવામા આવી રહી છે. માછીમારોને 3થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવાની ચેતવણી આપવામા આવી છે. હાલ પવનની ગતિ 65-75 કિમી પ્રતિ કલાકની હોવાનું કહેવાય છે. 4-5 ઓક્ટોબરે પવનની ગતિ 110 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. 6-7 ઓક્ટોબરે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ
શક્તિ વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહીને લઈને દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. શક્તિ નામનું વાવાઝોડું દ્વારકાથી 240 કિમી અરબી સમુદ્રમાં દુર છે, અને દર કલાકે 12 કીમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગાંધીનગર ફિસરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના આપવામા આવી છે.
હાલની વાત કરીએ તો દ્વારકાના અરબી સમુદ્રમાં પવન સાથે દરિયાકાંઠે ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું દ્વારકા ઉપર આવે તે પહેલા જ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર જણાશે તો સ્થળાન્તર પણ કરવામાં આવશે.
ઓખા-સલાયા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા હવામાનમાં અચાનક પલટો આવતા અને 'શક્તિ' નામના સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 'શક્તિ' નામનું વાવાઝોડું હાલમાં દ્વારકાથી 240 કિમી જેટલું દૂર અરબી સમુદ્રમાં છે અને તે પ્રતિ કલાક 12 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે.








