ભાણવડ સામુહિક આપઘાત કેસમાં બે આરોપીઓ સામે નોંધાયો ગુનો, જાણો વિગત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ સામુહિક આપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ સામુહિક આપઘાત કરી લીધો હતો, જેમાં પતિ-પત્ની અને તેના પુત્ર-પુત્રીએ ધારાગઢ ગામે રેલવે ફાટક પાસે ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ કેસની તપાસ કરતાં પોલીસે આ પરિવારને મારવા મજબૂર કરનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
20 લાખ માટે પઠાણી ઉઘરાણી કરી, મૃતક અશોકભાઈને માર માર્યો
ભાણવડ સામુહિક આપઘાત કેસમાં પોલીસે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ બંનેએ મૃતક અશોકભાઇ પાસે રૂ.20 લાખની પઠાણી ઉઘરાણી કરી હતી. આ આરોપીઓએ અશોકભાઈને માર પણ માર્યો હતો જેનો વીડિયો તેમના ફોનમાંથી મળી આવ્યો હતો.
આ બંને આરોપીઓએ મૃતક અશોકભાઈ પાસે બળજબરીપૂર્વક લખાણ કરાવી લીધું હોવાના અને અશોકભાઈના પોતાના લેવાના રૂપિયા વિશાલ પ્રાગડા ખાય ગયો હોવાના પુરાવા મળ્યા છે.
ભાણવડ પોલીસે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા વિરૂદ્ધ BNSની કલમ 108, 115(2), 308(5), 54 મુજબ ગુનો નોંધ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસે DySP હાર્દિક પ્રજાપતિનીના નેજા હેઠળ અલગ અલગ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઝેરી દવા પીને પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું હતું
ગઈકાલે 10 જુલાઈએ મૂળ મોડપર ગામના અને હાલ જામનગર રહેતા આ પરિવારના 4 સભ્યોએ ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રેલવે ફાટક પાસે ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર પતિ-પત્ની અને તેના પુત્ર-પુત્રી આ ચારેય લોકો એક બાઈક અને એક એક્ટીવા પણ ઘટના સ્થળે આવ્યા હતા.
આપઘાત કરનાર મૃતકોની વિગત :
- અશોકભાઈ જેઠભાઈ ધુંવા - ઉ. 42
- લીલુંબેન અશોકભાઈ ધુંવા - ઉં 42
- જીગ્નેશ અશોકભાઈ ધુંવા - ઉ.20
- કિંજલ અશોકભાઈ ધુંવા - ઉં. 18








