ગ્રાહકો સાથે છેતરપિંડી: સુવિધાઓ વગર મકાન પધરાવી દેતા 8 બિલ્ડરો સામે મોરબીમાં ગુનો નોંધાયો
મોરબીમાં મકાન ખરીદનારા મધ્યમ વર્ગના પરિવારો સાથે બિલ્ડરોએ છેતરપિંડી આચરી

મોરબીમાં મકાન ખરીદનારા મધ્યમ વર્ગના પરિવારો સાથે બિલ્ડરોએ છેતરપિંડી આચરી હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોસાયટી બનાવીને પાયાની સુવિધાઓ આપવાના વાયદા કરી, મકાનો વેચી દીધા બાદ બિલ્ડરો ફરી ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે કુલ 8 બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
300 મકાનોનું વેચાણ, પણ સુવિધાઓ શૂન્ય
વિગતો મુજબ, મોરબીમાં આવેલી માનસ ધામ સોસાયટી, ગોકુલધામ સોસાયટી અને ત્રિલોક ધામ સોસાયટીમાં અંદાજે 300 જેટલા મકાનો બિલ્ડરો દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ મકાનો વેચતી વખતે બિલ્ડરોએ લાઈટ, પાણી, ગટર અને રસ્તા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. જોકે, મકાનોનું વેચાણ થઈ ગયા બાદ લાંબો સમય વીતવા છતાં આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી.
8 બિલ્ડરો સામે નોંધાઈ ફરિયાદ
સોસાયટીના રહીશ વિનોદભાઈ પરમારે આ મામલે હિંમત દાખવી મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નીચે મુજબના બિલ્ડરોના નામ આપવામાં આવ્યા છે:
- મનીષ કાલરીયા
- ચિંતન ગામી
- મિહિરસિંહ જાડેજા
- રાજદીપ ગામી
- જગદીશ એરવાડિયા
- અંકિત નેસડીયા
- પ્રવીણ ગામી
- કિશોર શેરશીયા
રહીશોમાં રોષ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બિલ્ડરોએ ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હોવા છતાં લાઈટ, પાણી અને ગટર જેવી અનિવાર્ય સુવિધાઓ ન આપીને ગંભીર છેતરપિંડી આચરી છે. હાલ પોલીસે તમામ 8 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મોરબીના બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.







