મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ, ડો.પ્રશાંત વજીરાણીને VIP ટ્રીટમેન્ટ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ

Khyati Hospital PMJAY Scam : અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા

ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ, ડો.પ્રશાંત વજીરાણીને VIP ટ્રીટમેન્ટ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ

Khyati Hospital PMJAY Scam  : અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની 6 જેટલી ટીમોએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન કેટલાક મહત્ત્વના દસ્તાવેજ, ફાઈલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે.

આરોપી ડોક્ટરને સુવિધા આપનારા પોલીસકર્મી સામે કાર્યવાહી

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડમાં સામેલ આરોપી ડો.પ્રશાંત વજીરાણીને સુવિધા આપનાર હેડ કોન્સ્ટેબલ લાલસંગ સામે કાર્યવાહી કરાઈ છે. ફરજમાં બદેરકારી બદલ તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. મળતી માહિતી અનુસાર, આરોપી ડો.પ્રશાંત વજીરાણીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ અને ઘરનું જમવાનું આપવાની સુવિધા આપી હતી.

4 આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર

ખ્યાતિકાંડ મામલે ત્રણ ડોક્ટર્સ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાયાના 8 દિવસ બાદ પણ ડો.પ્રશાંત વજીરાણી સિવાયના અન્ય 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ભૂગર્ભમાં ઉતારી ગયેલા આ 4 સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે તેમજ દેશનાં તમામ એરપોર્ટ પર તેની જાણ કરી દેવામાં આવી છે.

સ્ટેન્ટકાંડ બાદ ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ

PMJAY કૌભાંડને લઈને આરોગ્ય વિભાગે ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

ચાર ડૉક્ટર સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 4 ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો