મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદઃ PMO ઓફિસરની ઓળખ આપી નેતાઓને છેતરતી ગેંગના 6 શખ્સો ક્રાઈમ બ્રાંચના સકંજામાં

સામાન્ય રીતે અલગ અલગ બહાનાઓથી લોકો પાસે પૈસા પડાવ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે

અમદાવાદઃ PMO ઓફિસરની ઓળખ આપી નેતાઓને છેતરતી ગેંગના 6 શખ્સો ક્રાઈમ બ્રાંચના સકંજામાં

સામાન્ય રીતે અલગ અલગ બહાનાઓથી લોકો પાસે પૈસા પડાવ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ રાજકીય કાર્યકરો અને આગેવાનો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પીએમઓના અધિકારીની ઓળખ આપી નેતાઓ અને કાર્યકર્તાઓને છેતરતી મેવાતી ગેંગના 6 શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ પી.એમ.ઓના ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ આપતા હતા અને વડાપ્રધાન તમારી ભાજપના કાર્યકર્તા તરીકેની કામગીરીથી ખુશ થયા છે તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઇવે પરના ફાર્મહાઉસ પ્રોજેક્ટમાં રોકાણ કરો. 

વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા

આ પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે પણ આપ અત્યારે 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે, તેમ કહી આરોપીઓ સામેવાળા વ્યક્તિને વોટસએપમાં પ્રોજેક્ટના ફોટા મોકલતા હતા. આ પ્રકારે અલગ અલગ સ્કીમના ફોટાઓ લઈ સામેવાળી વ્યક્તિને મોકલી તેમને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. 

પોલીસે તપાસ હાથ ધરી

હાલ તો પોલીસે સમગ્ર મામલે મેવાતી ગેંગના ભરતસિંહ, ઈર્શાદખાન મેવ, ઈર્શાદ મેવ, સાબિર મેવ, રાકીબ મેવ અને મહોમદજહાન મેવની ધરપકડ કરી છે. આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેમજ વધુ કોઈ વ્યક્તિ આ ગેંગનો શિકાર થયો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો