મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના સેગવી ગામના સરપંચને ચેક રિટર્ન કેસમાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા

વલસાડ તાલુકાના સેગવી ગ્રામ પંચાયતના સરપંચે માલ સામાન ખરીદ્યા બાદ પૈસા

વલસાડના સેગવી ગામના સરપંચને ચેક રિટર્ન કેસમાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા

વલસાડ તાલુકાના સેગવી ગ્રામ પંચાયતના સરપંચે માલ સામાન ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવી વેપારીને આપેલો ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો. જેમાં કોર્ટમાં હાજર ન થનારા વલસાડ તાલુકાના સેગવી ગામના સરપંચને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પતરા અને સિમેન્ટ લીધી હતી

આજકાલ બધી જ જગ્યાએ પૈસાનો ખેલ ચાલી રહ્યો છે. તેમાં પણ ઘણા લોકોને એવી ફાવટ આવી ગઈ હોય છે કે માલ સામાન લીધા બાદ પૈસા ચૂકવવાનું નામ લેતા નથી. તેમાં પણ હવે જાણે નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો હોય તેમ કોઈ પણ જગ્યાએથી ઉધાર માલ લઈને તેના બદલામાં ચેક આપી દેવાનો. પછી દુકાનદાર જાણે અને એની વાત જાણે. જો કે આવા જ એક કિસ્સામાં વલસાડ તાલુકાના સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બન્યું એવું કે સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલે ગામમાં આવેલા જગદંબા ટ્રેડર્સના માલિક દિનેશ આહિર પાસેથી રૂપિયા 2 લાખ 5 હજારથી વધુના 155 પતરા અને 300 ગુણી સિમેન્ટ લીધી હતી અને તેના બદલામાં ચેક આપ્યો હતો. 

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ

આ ચેક દિનેશભાઈ દ્વારા બેંકમાં નાખવામાં આવતા ચેક બાઉન્સ થયો હતો. ત્યાર બાદ દિનેશભાઈએ સરપંચ મુકુંદભાઈને કહેતા તેમણે બીજો ચેક આપ્યો હતો. અને આ ચેક પણ બાઉન્સ થયો હતો. જેને કારણે દિનેશભાઈએ વલસાડ કોર્ટમાં નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળ ફરિયાદ દાખલ કરતા કેસ ચાલ્યો હતો. કોર્ટનો સમન્સ હોવા છતાં મુકુંદભાઈ કોર્ટમાં હાજર ન થતા કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી જજ દ્વારા સરપંચ મુકુંદભાઇ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં કોર્ટને ગંભીરતાથી ન લેનારા સરપંચને કોર્ટે ગંભીરતા સમજાવી હતી.

આ સમાચાર શેર કરો