જૂનાગઢમાં શક્તિ નાદ ગરબામાં પેમેન્ટ મુદ્દે વિવાદ, ગાયિકાએ ગરબા બંધ કરતાં ખેલૈયાઓનો હોબાળો

જૂનાગઢમાં શક્તિ નાદ ગરબા કાર્યક્રમમાં પેમેન્ટના વિવાદને પગલે મોટો હોબાળો થયો હતો. ગાયિકા ક્રિષ્ના ગળથિયા અને તેમના સાજિંદાઓને સમયસર પેમેન્ટ ન મળતાં તેમણે ગત રાત્રે ગરબા કરવાનું બંધ કરી દીધું હતું. અચાનક ગરબા બંધ થઈ જતાં ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
40 ટકા જ પેમેન્ટ મળ્યું
ગાયિકા ક્રિષ્ના ગળથિયાના જણાવ્યા અનુસાર, આયોજકો સાથે 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ પેમેન્ટ ચૂકવવાનો કરાર થયો હતો. જોકે, તેમને કુલ રકમમાંથી માત્ર 40 ટકા જ પેમેન્ટ મળ્યું હોવાથી તેમણે ગરબા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આયોજકે આરોપો ફગાવ્યા
બીજી તરફ, આયોજકોએ ગાયિકા દ્વારા તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, તેમણે ગૂગલ પે દ્વારા રૂ. 1.75 લાખ ચૂકવ્યા હોવાના પુરાવા તેમની પાસે છે. કુલ રૂ. 14 લાખ ચૂકવવાના હતા, જેમાંથી રૂ. 7 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસમાં લીધા વિના ગરબા બંધ કરી દેવામાં આવ્યા હતા. ગાયિકા દ્વારા ખેલૈયાઓને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના દાવા મુજબ, ખેલૈયાઓની તોડફોડને કારણે અંદાજે રૂ. 6થી 7 લાખનું નુકસાન થયું છે. આ મામલે આયોજકો એકસાથે મળીને ગાયિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.















