Video: સુરેન્દ્રનગરના પાણશીણામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: ૧૦થી વધુ ઈજાગ્રસ્ત, હોસ્પિટલે સખત પોલીસ બંદોબસ્ત

સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા પાણશીણા ગામે જૂથ અથડામણની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં કોઈ બાબતે બે જૂથો સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી અને હિંસક આ અથડામણમાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે જાણ થતાં જ બે અલગ-અલગ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા તાકીદે સારવાર શરૂ કરવામાં આવી છે. બંને પક્ષના ઈજાગ્રસ્તો એક જ હોસ્પિટલમાં હોવાથી ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલ પરિસરમાં એકઠા થયેલા ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.





