સુરત પાલિકાની સમિતિએ શાળાઓમાં વેકેશન વચ્ચે આવો પરિપત્ર બહાર પાડતાં ઉભો થયો વિવાદ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તમામ વિદ્યાર્થીઓને બ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તમામ વિદ્યાર્થીઓને બૂટ-મોજો અને ગણવેશ સાથે સ્કૂલ બેગ આપવાનો મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. તમામ બાળકોને સ્કૂલ બેગ આપવાનો નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. પરંતુ શાળામાં જાહેર કરવામા આવેલા વેકેશનના કારણે મોટા ભાગના શિક્ષકો સુરતમાં નથી. ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા વેકેશન દરમિયાન સમિતિની સ્કૂલમાં સ્કૂલ બેગ વિતરણ માટેનો પરિપત્ર જાહેર થતાં વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિએ બેગ માટે ઓર્ડર કર્યો તે કંપનીએ બેગ આપી દીધી છે. 30 મે સુધીમાં શાળાઓ ખોલાવી બેગ લેવા માટેના આદેશના કારણે શિક્ષકો-આચાર્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બેગ લેવડાવવાની વ્યવસ્થા આચાર્યએ કરવી
સમિતિએ મુંબઈની હેક્ષા કોર્પને બેગ માટે ઓર્ડર કર્યો હતો. ધોરણ પ્રમાણે સ્કૂલ બેગ આપવામાં આવશે. આ સ્કૂલ બેગ શાળાનું સત્ર શરુ થાય ત્યારે જ વિદ્યાર્થીઓને મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પરિપત્રમાં જણાવાયું છે કે, શાળામાં અંદાજીત કેટલા વાગ્યે સ્કૂલ બેગ આવશે. તેનો સમય એજન્સી દ્વારા આગલા દિવસે આચાર્યને ટેલીફોનિક જાણ કરવામાં આવશે. જે મુજબ આચાર્યએ શાળા ખોલાવી સ્કૂલ બેગ લેવડાવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત એજન્સી દ્વારા ચલણ આપવામાં આવે તેમાં ચલણ મુજબ માલ ગણતરી કરીને લેવાનો રહેશે. ચલણમાં સહી સિક્કા કરવાના રહેશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
બેગ લેવા દબાણ કરાયું
કેટલાક શિક્ષકો અને આચાર્ય ફરિયાદ કરે છે કે, હાલ તેઓ સુરત બહાર છે. તેઓની હક્ક રજા છે. તેવા સમયે બેગ લેવા માટે દબાણ કરવામાં આવે છે. તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને સ્કૂલનું સત્ર શરૂ થાય ત્યારે બેગ મળે તે આવકાર્ય છે. પરંતુ તેના કારણે શિક્ષકોને બદલે બેગ સપ્લાય એજન્સીને તે સમય આપવો જોઈએ તેવી માગણી શિક્ષકો કરી રહ્યાં છે.








